જામનગર જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા તાજેતરમાં જામનગરના દરેડ ગામે સર્વે નં.131 અને 132 વાળી જમીનમાં થયેલા દબાણો દૂર કરવા માટે જે-તે આસામીઓને નોટીસ આપી હતી.તેમજ રિક્ષા ફેરવીને દબાણો નહીં હટાવાય તો લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. આ કાર્યવાહીને પગલે દબાણકારોમાં દોડધામ મચી ગઇ છે.100 થી વધુ દબાણકારોએ આજે જામનગરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) નો તેમના કાર્યાલય ખાતે લોકદરબાર ચાલુ હતો ત્યારે પહોંચી જઇ મદદની માંગણી કરી હતી.જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી નજીક છે ત્યારે વિરોધના કાર્યક્રમમાં દબાણકારોની આગેવાની લેવાની તક કોંગ્રેસના આગેવાનોએ ઝડપી લીધી હતી.વિપક્ષના પૂર્વ નેતા અલ્તાફ ખફી, પ્રદેશ મહિલા કોંગ્રેસના મહામંત્રી સહારાબેન મકવાણા તથા અન્યોએ દબાણકારો સાથે રાજ્યમંત્રીની કચેરીએ પહોંચ્યા હતાં અને કલેક્ટરને સંબોધાયેલા આવેદનપત્રની નકલ પાઠવી હતી.


