હાલ કોરોના મહામારી ચાલી રહી છે,ત્યારે તેની સામેની લડત માટે જામનગરની ચાર સંસ્થાઓએ ભેગી મળીને ગત્ બુધવારે જિલ્લા કલેક્ટરને કુલ 51 લાખની સહાય નિધિના ચેક આપ્યા હતા.આ ચેક અર્પણ કર્યાની પ્રસિદ્ધિ મેળવવાની લ્હાયમાં ખુદ જામનગરના ભાજપના સાંસદ પૂનમ માડમ,રાજ્યના કૃષિ મંત્રી આર સી ફળદુ,અન્ન-પૂરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત વ્યાપારી મંડળોના અગ્રણીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાડ્યા હતા.
50 થી વધુ લોકોએ સાથે ઊભા રહીને ફોટા પડાવ્યા
ભાજપની એક યા બીજી પાંખ સાથે જોડાયેલા આ મહાનુભાવો ઉપરાંત બીજા 50 થી વધુ લોકોએ સાથે ઊભા રહીને 51 લાખનો ચેક આપ્યાના ફોટા પડાવ્યા હતા.કોરોના મહામારીના કપરા કાળમાં કલેક્ટર રવિશંકરને ચેક અર્પણ કરવાની ઔપચારિકતાને ભાજપના નેતાઓએ ચેકમહોત્સવમાં તબદિલ કરી નાંખી હતી.ચેમ્બર્સ દ્વારા ચેક દાનને ફોટો સેશનમાં પલટાવી નાખ્યો હતો. કોરોના મહામારી સામે લડવાની સહાય આપ્યાની પબ્લિસિટી ખાટવાની લ્હાયમાં ભાજપના નેતાઓએ ટોળે વળીને ફોટાઓ પડાવ્યા હતા.આ ફોટો અને વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.