જામનગર તા 13 એપ્રિલ 2022,બુધવાર : જામનગરમાં આગામી 16 એપ્રિલે વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગદળ દ્વારા રામ ભક્ત હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
છોટી કાશી ગણાતા જામનગરમાં આગામી 16 એપ્રિલ શનિવારે હનુમાન જનમોત્સવ ના પાવન અવસરે ભગવાન શ્રી હનુમાનજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ દ્વારા આયોજિત હનુમાનજીના જન્મોત્સવની શોભાયાત્રાનું પ્રસ્થાન ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતેથી થનાર છે.
જામનગરમાં શનિવારે હનુમાન જનમોત્સવના પાવન અવસરે સવારે 9.00 વાગ્યે ખોડિયાર કોલોની વિસ્તારના શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતેથી શોભાયાત્રા પ્રસ્થાન થઇ સંતોષી માતાજીના મંદિર,શરૂસેક્શન રોડ,પંચવટી વિસ્તાર,ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ રોડ,પંડિત નહેરૂ માર્ગ,અંબર સિનેમા સર્કલ, જુના રેલવે સ્ટેશન વિસ્તાર,જુલેલાલ ચોક,બેડી ગેટ,ચાંદી બજાર,માંડવી ટાવર,સેન્ટ્રલ બેન્ક રોડ,હવાઈ ચોક વિસ્તારમાંથી પસાર થઈ તળાવની પાળ ખાતે આવેલા વિશ્વવિખ્યાત શ્રી બાલા હનુમાનજી મંદિરે સંપન્ન થશે.
હનુમાન જનમોત્સવની આ શોભાયાત્રામાં રામ ભક્ત હનુમાનજીની વિવિધ ઝાંખી કરાવતા વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગદળ અને સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા ખાસ ધાર્મિક ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર રહેશે.