જામનગર તા 15 એપ્રિલ 2022,શુક્રવાર: જામનગર શહેર અને જિલ્લામાં પ્રતિ કલાકના 45 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે ગરમીમાં રાહત જોવા મળી છે, સાથોસાથ ઉષ્ણતામાનનો પારો પણ ત્રણ ડિગ્રી નીચે સરકીને 36.0 ડિગ્રી આસપાસ રહ્યો હોવાથી આગઝરતી ગરમીમાં મહદ અંશે રાહત જોવા મળી છે.જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે ગરમીનો પારો વધીને 40.0 ડિગ્રી આસપાસ પહોંચી ગયો હોવાથી હિટ-વેવનું સામ્રાજ્ય છવાયેલું હતું,પરંતુ ગઈકાલ સાંજથી એકાએક તેમાં બદલાવ આવ્યો હતો, અને પ્રતિ કલાકના 40 થી 45 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે આગ ઓકતી ગરમીમાં રાહત થઇ હતી.ઉપરાંત વહેલી સવારે ભેજનું પ્રમાણ પણ યથાવત રહ્યું હોવાથી ટાઢક ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.જો કે બપોર દરમિયાન ફરીથી સૂર્ય દેવતાનો પ્રકોપ વધ્યો હોવાથી આગઝરતી ગરમી પડી રહી હતી.જામનગર જિલ્લા કલેકટર કચેરીના કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 24.0 ડિગ્રીની જ્યારે મહત્તમ તાપમાન 36.0 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે.વાતાવરણમાં ભેજનું પ્રમાણ 80 ટકા રહ્યું હતું,જયારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 40 કિમીની ઝડપે રહી હતી,જે વધીને ૪૫ કિમી સુધી પહોંચી હતી.


