– ગણવેશધારી સ્વયંસેવકો દ્વારા ધન્વંતરી ગ્રાઉન્ડથી ઘોષ (બેન્ડ)ના તાલે શહેરમાં નગર ભ્રમણ કરાયું
– જામનગરની વિવિધ સંસ્થાઓ દ્વારા 25 થી વધુ સ્થળો પર પથ સંચલન દરમિયાન ભગવા ધ્વજ પર પુષ્પવૃષ્ટિ કરાઇ
જામનગર,તા.25 ઓક્ટોબર : જામનગર શહેરમાં રવિવારે સાંજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા નગર પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આર.એસ.એસ.ના સ્વયંસેવકો પૂર્ણ ગણવેશ ધારણ કરીને શહેરના વિવિધ વિસ્તારોમાં ઘોષ (બેન્ડ)ના તાલે પથ સંચલનમાં જોડાયા હતા,જ્યારે શહેરની વિવિધ 25 થી વધુ સંસ્થાઓ દ્વારા શહેરના માર્ગ પર ઠેરઠેર ભગવા ધ્વજ પર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી.
જામનગર શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા હિન્દુ સમાજને સંગઠિત કરવા માટેનું કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે, જે રાષ્ટ્રીય કાર્યમાં અનેક લોકો જોડાઇ રહ્યા છે.જેમનો ઉત્સાહ વધારવાના ભાગરૂપે તેમજ સમાજના તમામ લોકો આ સંગઠન કાર્યમાં જોડાય તે માટે પ્રત્યક્ષ સંઘકાર્ય દર્શનની જરૂરિયાતના ભાગરૂપે પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ નગરમાં પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું છે.
રવિવાર તા.24.10.2021 ના સાંજે 5.30 વાગ્યે ધન્વંતરી ગ્રાઉન્ડથી પથ સંચલનનો પ્રારંભ થયો હતો.જેમાં આર.એસ.એસ.ના સ્વયંસેવકો ગણવેશમાં ખાખીપેન્ટ,કાળીટોપી,સફેદ શર્ટ,પટ્ટો તેમજ બુટ મોજા પહેરીને તેમજ હાથમાં દંડ (લાકડી) રાખીને ચાર-ચારની કતારમાં પથ સંચલનમાં જોડાયા હતા.વિજયાદશમીના તહેવારને અનુલક્ષીને યોજાયેલા પથ સંચલનનો ધન્વન્તરિ મંદિરથી પ્રારંભ થયો હતો.જ્યાં સૌપ્રથમ પ્રાર્થનાનું ગાયન કર્યા પછી સંચલનનો પ્રારંભ કરાયો હતો.જે ધન્વંતરિ ગ્રાઉન્ડથી પ્રારંભ થઇ સ્વામી વિવેકાનંદ સર્કલ,ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલ,પંચમુખી હનુમાનજી મંદિર,જુલેલાલ મંદિર,રામ મંદિર બેડી ગેઇટ,રાધાકૃષ્ણ મંદિર ટાઉનહોલ,ભીડભંજન મહાદેવ મંદિર,આંબેડકરજીની પ્રતિમા (લાલ બંગલો),વિનુ માંકડની પ્રતિમા,ગુરૂદ્વારા, હનુમાનજી મંદિર થઈ ધન્વંતરિ મેદાનમાં પરત ધન્વંતરિ ગ્રાઉન્ડમાં પૂર્ણ થયું હતું.જે પથ સંચલનના માર્ગ પર ઠેરઠેર આર.એસ.એસ. સંલગ્ન જુદી-જુદી સામાજિક અને સેવકીય સંસ્થાઓ તેમજ નગરના અગ્રણી વેપારીઓ મહિલા સંગઠન સહિતની જુદી-જુદી સંસ્થાઓ દ્વારા ભગવા ધ્વજ પર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી.સંચલનના સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.તેમજ ટ્રાફિક વ્યવસ્થા માટે આર.એસ.એસ.ના સ્વયંસેવકો પણ સ્વયંભૂ વ્યવસ્થામાં જોડાયા હતા.


