– યુપીના ઉન્નાવમાં આરોપીઓએ કેસ પાછો ખેંચી લેવા માટે પીડિતા પર પ્રેશર પણ કર્યું
યુપીના ઉન્નાવમાં એક બળાત્કાર પીડિતાની સાથે મારામારી અને તેનાં બાળકોને સળગાવી દેવાનો ચોંકાવનારો મામલો બહાર આવ્યો છે.ચોંકાવનારી વાત એ છે કે આવી હરકત કરનારા બન્ને જણ બળાત્કારના આ જ કેસમાં આરોપી છે.તેઓ જામીન પર છૂટ્યા અને પીડિતા પર કેસ પાછો ખેંચી લેવા માટે પ્રેશર કરવા લાગ્યા હતા અને તેનાં બે બાળકોને સળગાવ્યાં હતાં.પીડિતા અને તેની માતાના હાથ અને પગમાં ઈજા થઈ છે.આ ઘટના મૌરાના પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની છે.પીડિતાએ પોલીસ પર ગંભીર આરોપો મૂક્યા છે.
મુખ્ય આરોગ્ય અધિકારી સુશીલ શ્રીવાસ્તવ અનુસાર આ ઘટનામાં બળાત્કારની પીડિતાનો દીકરો ૩૫ ટકા અને તેની બહેન ૪૫ ટકા સળગી ગઈ છે.તેમની સ્થિતિ ખરાબ થતાં તેમને સારી સુવિધા પૂરી પાડવા માટે કાનપુરમાં મોકલવામાં આવ્યાં છે.આ દલિત મહિલાની સાથે ૨૦૨૨ની ૧૩ ફેબ્રુઆરીએ સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.એ જ વર્ષે સપ્ટેમ્બરમાં તેણે એક દીકરાને જન્મ આપ્યો હતો.પીડિતાની માતાએ આરોપ મૂક્યો હતો કે દીકરીના નવજાત દીકરાને ખલાસ કરવા માટે તેમના ઘરમાં આગ લગાડવામાં આવી હતી.પોલીસ અધિકારી પુરવા સંતોષ સિંહે કહ્યું હતું કે બળાત્કારની પીડિતાના પિતા પર તેના દાદા અને કાકાએ કુહાડીથી હુમલો કર્યો હતો.તેઓ આરોપીની તરફેણ કરી રહ્યા હતા.પીડિતાના પિતા અત્યારે ગંભીર સ્થિતિમાં હૉસ્પિટલમાં ઍડ્મિટ છે.
આરોપીઓ કેસ પાછો ખેંચી લેવા માટે પીડિતાના પરિવારને છેલ્લા કેટલાક દિવસથી ધમકી આપી રહ્યા હતા.સામૂહિક બળાત્કારના આ કેસમાં અમન,રોશન,અરુણ અને સતીશ નામના ચાર યુવકો પર આરોપ મૂકવામાં આવ્યા છે.પોલીસે આ આરોપીઓને જેલમાં મોકલ્યા હતા.જેમાંથી સતીશ અને અમન થોડા દિવસ પહેલાં જ છૂટ્યા હતા.