નવી દિલ્હી : આજે શુક્રવારે જીએસટીમાં જરૂરી સુધારા તેમ ઈ-વે બિલ,પેટ્રોલ ડીઝલના વધતા ભાવ સામે કેટ દ્વારા ભારત બંધનું એલાન આપ્યું હતું.આ બંધના એલાનમાં ભારનતા 8 કરોડ વેપારીઓએ પોતાનું સમર્થન આપ્યું છે.સવારે 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી ટ્રાન્સપોર્ટ અને બજારો બંધ રાખવાનું જાહેર કરતા વેપારીઓએ પણ ટેકો જાહેર કર્યો છે. કેટના જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે કહ્યું- શુક્રવારે દેશભરમાં 1,500 સ્થળ પર ધરણાં કરવામાં આવશે.બધાં બજારો બંધ રહેશે. 40 હજારથી વધુ વ્યાવસાયિક સંગઠનો સાથે સંકળાયેલા આશરે 8 કરોડ વેપારીઓ બંધને ટેકો આપી રહ્યા છે.
કેટ અનુસાર,ગયા વર્ષે 22 ડિસેમ્બરે અને ત્યાર બાદ GST નિયમોમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા. આમાં અધિકારીઓને વધુ સત્તા આપવામાં આવી હતી.હવે કોઈપણ અધિકારી કોઈપણ કારણોસર કોઈપણ વેપારી GST રજિસ્ટ્રેશન નંબર સસ્પેન્ડ અથવા કેન્સલ કરી શકે છે.બેંક ખાતાં અને સંપત્તિ પણ જપ્ત કરી શકે છે.ખાસ વાત એ છે કે આ કરતાં પહેલાં વેપારીને કોઈ નોટિસ આપવામાં આવશે નહીં.એ વેપારીઓના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.
ઇ-વે બિલની મર્યાદા 100 કિ.મી.થી વધારીને 200 કિ.મી. કરવામાં આવી હોવાથી 1 જાન્યુઆરીથી અમલમાં આવેલા નવા ઇ-વે બિલ નિયમથી ટ્રાન્સપોર્ટર્સ અને વેપારીઓ ચિંતિત છે.ખરેખર 2021-22ના બજેટમાં ઇ-વે બિલની કલમ 129માં બદલાવ કરવામાં આવ્યો છે.તદનુસાર,જો બિલમાં કોઈ ભૂલ થાય છે તો પછી ટેક્સ અને પેનલ્ટી બંને વસૂલવામાં આવશે,સાથે જ જે ટેક્સ અગાઉ પરત કરવામાં આવતો હતો એ હવે થશે નહીં.જો અજાણતાં એક નાની ભૂલ થાય છે તો પેનલ્ટી અને દંડ બેગણો વસૂલવામાં આવશે.
નવા ઇ-વે બિલ કાયદાના વિરોધમાં તમામ સ્ટેટ ટ્રાન્સપોર્ટ યુનિયનોએ પણ કેટને ટેકો આપ્યો છે.આ દરમિયાન ટ્રાન્સપોર્ટ ઓફિસો બંધ રહેશે.માલનું બુકિંગ,ડિલિવરી,લોડિંગ અને માલનું અનલોડિંગ બંધ રહેશે.તમામ ટ્રાન્સપોર્ટ કંપનીઓને સવારે 6થી રાત્રે 8 વાગ્યા દરમિયાન વાહનોને બંધ રાખવા માટે કહેવામાં આવ્યું છે.
ટ્રાન્સપોર્ટ સેકટર ઉપરાંત મોટી સંખ્યામાં રાષ્ટ્રીય વેપાર સંગઠનોએ પણ બંધને ટેકો આપ્યો છે.આમાં ઓલ ઇન્ડિયા FMCG ડિસ્ટ્રિબ્યુટર્સ ફેડરેશન,ફેડરેશન ઓફ એલ્યુમિનિયમ યુટેન્સિલ મેન્યુફેક્ચર્સ એન્ડ ટ્રેડર્સ એસોસિયેશન, નોર્થ ઈન્ડિયા સ્પાઈસ ટ્રેડર્સ એસોસિયેશન,ઓલ ઇન્ડિયા વુમન એન્ટ્રપ્રિન્યર્સ એસોસિયેશન,ઓલ ઈન્ડિયા કમ્પ્યુટર ડીલર્સ એસોસિયેશન અને ઓલ ઇન્ડિયા કોસ્મેટિક મેન્યુફેક્ચર્સ એસોસિયેશન વગેરે સામેલ છે.
૨૬ ફેબ્રુઆરીએ જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ)ના વિરોધમાં સમગ્ર ભારતમાં બજાર બંધ રહેશે. વેપારી સંગઠન સીએઆઇટીએ ગુરુવારે જણાવ્યું હતું કે વસ્તુ તેમ જ સેવા કર (જીએસટી) વ્યવસ્થાની જોગવાઈની સમીક્ષાની માગ હેઠળ દેશભરનાં બધાં વાણિજ્યિક બજાર ૨૬ ફેબ્રુઆરીએ બંધ રહેશે.કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સે કહ્યું કે કેન્દ્ર (રાજ્ય) અને જીએસટી પરિષદે જીએસટીની વિધિવત્ જોગવાઈને યથાવત્ રાખવાની માગણી કરીને ૧૫૦૦ જગ્યાએ દેશભરમાં ધરણાં (વિરોધ પ્રદર્શન) કરવામાં આવશે.સીએઆઇટીએ જીએસટી પ્રણાલીની સમીક્ષા અને વેપારીઓ દ્વારા સરળ અનુપાલન માટે એને સરળ અને તર્કસંગત બનાવવા માટે એના ટૅક્સ સ્લૅબની પણ માગણી કરી.
એક પ્રેસ-કૉન્ફરન્સને સંબોધીને સીએઆઇટીના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે આ મુદ્દે સરકાર સાથે પણ વાત કરી રહ્યા છીએ.તેમણે કહ્યું કે અખિલ ભારતીય ટ્રાન્સપોર્ટ વેલ્ફેર અસોસિએશન પણ સીએઆઇટીના ભારત બંધનું સમર્થન કરશે અને ૨૬ ફેબ્રુઆરીએ ચક્કાજામ કરશે.ખંડેલવાલે કહ્યું કે દેશભરમાં બધાં વાણિજ્યિક બજારો બંધ રહેશે અને બધાં રાજ્યોનાં વિવિધ શહેરોમાં ધરણાં-પ્રદર્શન આયોજિત કરવામાં આવશે.


