બારડોલી : સુરત જિલ્લાના બારડોલી તાલુકાના જુની કિકવાડ ગામે ગભાણ ફળિયામાંથી અઢી થી ત્રણ વર્ષ ની દીપડી પાંજરે પુરાઈ હતી.ગામમાં વારંવાર દીપડી દેખા દેતા 4 એપ્રિલના રોજ પાંજરું મુકાયું હતું.કાળઝાળ ગરમી શરૂ થતાં સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં હવે વન્ય પ્રાણી ગણાતા દીપડાઓ દેખા દેવાની ઘટના વધી રહી છે.જિલ્લાના માંડવી બાદ હવે બારડોલી તાલુકામાં દીપડાની દસ્તક જોવા મળી હતી.બારડોલી તાલુકાના જુની કિકવાડ ગામના ગભાણ ફળિયામાં નવીનભાઈ શંકરભાઈ ચૌધરીના ખેતર નજીક છેલ્લા ઘણા દિવસોથી દીપડો દેખા દેતો હતો.રહેણાક વિસ્તારમાં પશુઓના મારણ કરતા લોકો માં ભય ફેલાયો હતો.જેથી નવીનભાઈએ ફ્રેન્ડસ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને જાણ કરતા જતીન રાઠોડે સામાજિક વનીકરણના આર.એફ.ઓ સુધાબેન ચૌધરીને જાણ કરી હતી.બારડોલી વન વિભાગે 4 એપ્રિલના રોજ નવીનભાઈના ઘર પાસે ખેતર નજીક મારણ સાથે પાંજરુ મુક્યું હતું.મારણ કરવાની લ્હાયમાં શુક્રવારે મળસ્કે દીપડી પાંજરે પુરાઈ હતી.બારડોલી વન વિભાગે દિપડીનો કબજો લઈ તેન વનવિભાગની કચેરી લઈ જવામાં આવી હતી.