– સંસદના ચોમાસુ સત્રના કારણે તે વિસ્તારમાં કલમ 144 લાગુ
નવી દિલ્હી, તા. 26 જુલાઈ : સંસદના ચોમાસુ સત્રમાં સતત થઈ રહેલા હંગામા વચ્ચે કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધી સોમવારે ફરી એક વખત ચર્ચામાં આવ્યા હતા.રાહુલ ગાંધી સોમવારે ટ્રેક્ટર ચલાવીને સંસદ ભવન પહોંચ્યા હતા અને તેમણે કૃષિ કાયદાઓનો વિરોધ કર્યો હતો.જોકે ખાસ વાત એ છે કે, દિલ્હી પોલીસે બાદમાં તે ટ્રેક્ટર જ જપ્ત કરી લીધું હતું.
હકીકતે સંસદના ચોમાસુ સત્રના કારણે તે વિસ્તારમાં કલમ 144 લાગુ રહે છે.આ સંજોગોમાં રાહુલ ગાંધી અગાઉથી કોઈ પણ જાતની સૂચના આપ્યા વગર ટ્રેક્ટર ચલાવીને સંસદ ભવન પહોંચ્યા હતા.રાહુલ ગાંધી તો સંસદ ભવનમાં પહોંચી ગયા પરંતુ બાદમાં દિલ્હી પોલીસે કોંગ્રેસી નેતા રણદીપ સુરજેવાલા,શ્રીનિવાસ બી.વી.ને કસ્ટડીમાં લીધા હતા.
તે સિવાય પોલીસે તે ટ્રેક્ટરને પણ કબજામાં લઈ લીધું હતું. સાથે જ અનેક કોંગ્રેસીકાર્યકરોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.દિલ્હી પોલીસના સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે કોંગ્રેસ દ્વારા આ પ્રદર્શનની મંજૂરી નહોતી લેવામાં આવી.
કૃષિ કાયદાને લઈ વિવાદ
કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા કૃષિ કાયદાની વિરૂદ્ધમાં છેલ્લા એક વર્ષથી હોબાળો ચાલુ છે.ખેડૂતો દ્વારા દિલ્હીની અલગ અલગ સરહદોએ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને હવે દિલ્હીના જંતર-મંતર ખાતે ખેડૂત સંસદ બેસાડવામાં આવી છે.જ્યાં સુધી ચોમાસુ સત્ર ચાલશે ત્યાં સુધી જંતર-મંતર ખાતે ખેડૂતો દ્વારા ખેડૂત સંસદ ચલાવવામાં આવશે. આ દરમિયાન આશરે 200 ખેડૂતોને ત્યાં રહેવાની મંજૂરી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પાર્ટી સતત કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહી છે.સંસદમાં પણ કોંગ્રેસ દ્વારા હંગામો કરવામાં આવી રહ્યો છે. સોમવારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સરકારે ત્રણેય કૃષિ કાયદા પાછા લેવા પડશે, આ ખેડૂતોનો અવાજ છે.


