સુરત : નીચલી કોર્ટે આરોપી જયેશ માનવાણીને બે વર્ષની સજા અને દંડનો હુકમ કરતા સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી.એમ્બ્રોડરી જોબવર્કના પેમેન્ટ પેટે આપેલા 84 હજારના ચેક રીટર્ન કેસમાં નીચલી કોર્ટના સજાના હુકમ સામે કરેલી અપીલને આજે એડીશ્નલ સેશન્સ જજ કૃત્તિ સંજય ત્રિવેદીએ નકારી કાઢીને નીચલી કોર્ટનો હુકમ કાયદેસરનો ઠેરવ્યો હતો.કતારગામ પુરણબાગ ખાતે રહેતા તથા શીવ ફેશન્સના નામે એમ્બ્રોડરી જોબવર્કનું કામ કરતાં ફરિયાદી કલ્પેશ વિનુભાઈ વામજાએ ઓક્ટોબર-2013 દરમિયાન શ્રી સાંઈ ફેશનના આરોપી સંચાલક જયેશ ઠાકોરદાસ માનવાણી(રે.શાલીન રેસીડેન્સી,પાલ)એ એમ્બ્રોડરી જોબવર્કના પેમેન્ટ પેટે આપેલા 84,800ના ચેક રીટર્ન અંગે કોર્ટ ફરિયાદ નોંધાવી હતી.આ કેસમાં ૬ઠ્ઠા એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટે તા.7-8-18 ના રોજ આરોપી જયેશ માનવાણીને દોષી ઠેરવી બે વર્ષની કેદ,રૃ.1.69 લાખનો દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા ફટકારી હતી.આ હુકમથી નારાજ થઇ આરોપીએ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી.સુનાવણી બાદ કોર્ટે અપીલ નકારી કાઢી નીચલી કોર્ટનો વાદગ્રસ્ત હુકમ હસ્તક્ષેપ પાત્ર ન હોઈ કાયદેસરનો ઠેરવીને કાયમ રાખી આરોપી વિરુદ્ધ નોનબેલેબલ વોરંટ ઈસ્યુ કરવા હુકમ કર્યો છે.

