જોહાનિસબર્ગ : દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગના સોવેટો ટાઉનશિપના એક બારમાં બંદૂકધારીઓએ કરેલા અંધાધૂંધ ફાયરિંગમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા હતા અને નવ ઘાયલ થયા હતા.સાઉથ આફ્રિકામાં બે દિવસમાં આવા માસ શૂટિંગની આ બીજી ઘટના છે.શનિવારે ક્વાઝુલુ-નેટલ પ્રાંતના પીટરમેરિટ્સબર્ગમાં ફાયરિંગની ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા અને આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
પ્રાંતના પોલીસ કમિશનર એલિયાસ મેવેલાએ જણાવ્યું હતું કે આ ઘટના રાત્રે આશરે 12.30 વાગ્યે બની હતી.તેમાં 12 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા,જ્યારે બાકીના 4 લોકોના હોસ્પિટલમાં મોત થયા હતા.હોસ્પિટલમાં બે લોકોની હાલત ગંભીર છે અને બીજા લોકોની હાલત સ્થિર હતી.પોલીસને એક કરતાં વધુ શૂટરની આશંકા છે.હાલમાં ફાયરિંગના ઇરાદાની જાણકારી નથી,પરંતુ એવું લાગે છે કે શૂટર અહીં આવ્યા અને આડેધડ ગોળીબાર ચાલુ કર્યો હતો.પોલીસ આરોપીઓની ધરપકડ માટે સતત પ્રયાસો કરી રહી છે.
કમ્યુનિટી સેફ્ટી ફેઇથ માઝિબુકોની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યે જણાવ્યું હતું કે ગુનેગારો મિનીબસ વ્હિકલમાં આવ્યા હતા અને કોઇ વોર્નિંગ વગર હાઇ કેલિબર વીપન્સથી ફાયરિંગ ચાલુ કર્યું હતું.આને તમે ઇરાદાપૂર્વકની લૂંટફાટ કહી શકો નહીં,કારણ કે તેઓ કંઇ લૂંટી ગયા ન હતા.તેઓ બારમાં ધૂસ્યા હતા અને તેમાં આનંદ માણી રહેલા લોકો પર આડેધડ ગોળીબાર ચાલુ કર્યો હતો.પીટરમેરિટ્સબર્ગની ઘટનામાં પણ બે ગનમેન મિનિબસમાં આવ્યા હતા અને બારમાં રહેલા લોકો પર અંધાધૂંધ ગોળીબાર ચાલુ કર્યો હતો.કુલ 12 લોકોને ગોળી મારવામાં આવી હતી,તેમાં ઘટનાસ્થળે બેના મોત થયા હતા અને બે લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા.અગાઉ એક પખવાડિયા પહેલા ઇસ્ટ લંડનના બારમાં 21 યુવાન લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.