ગુજરાત પ્રદેશના નવા સંગઠનની રચનાને લઇને કોંગ્રેસ ફરી એક વખત મુંજવણમાં મુકાઈ છે.ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નિમણૂક કરવા માટે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવાસ સ્થાન પર નેતાઓની વન ટુ વન બેઠક ચાલી રહી છે.ત્યારે આ બેઠકમાં હાર્દિક પટેલના નામની ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે ચર્ચા થઇ રહી છે.તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દીક પટેલ અને જીગ્નેશ મેવાણી રાહુલ ગાંધીની સાથે બેઠક કરીને બિહાર જવા રવાના થયા છે.પણ હાર્દિક પટેલને પ્રમુખ બનાવવામાં આવે તો ગુજરાત કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાઈ શકે છે.ગુજરાત કોંગ્રેસના 20 જેટલા ધારાસભ્યો પક્ષ છોડી શકે છે.
મહત્ત્વની વાત છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા ગુજરાતમાં નેતાઓની સાથે બેઠક કર્યા બાદ રિપોર્ટ લઇને દિલ્હીમાં પહોંચ્યા હતા.પરંતુ આ ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ અને વિપક્ષના નેતા તરીકે કોની નિમણૂક કરવી તેને લઇને હાઈકમાન્ડ પણ મુંજવણમાં મુકાયુ હતું.તેથી આ વાતનો નિવેડો લાવવા માટે રાહુલ ગાંધીના નિવાસ સ્થાન પર કોંગ્રેસના 15 દિગ્ગજ નેતાઓની બેઠક ચાલી રહી છે.રાહુલ ગાંધીનગરની અધ્યક્ષતામાં ચાલી રહેલી બેઠકમાં હાર્દિક પટેલને પ્રમુખ બનાવવાની વાત કરતા જ ભરતસિંહ સોલંકી, નરેશ રાવલ,પરેશ ધાનાણી અને અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓને ભાર પૂર્વક રજૂઆત કરી હતી.તો એવી પણ એક માહિતી સામે આવી રહી છે કે, રાહુલ ગાંધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે હાર્દિક પટેલની નિમણૂક કરવા માટે તૈયાર છે પણ કોંગ્રેસના સિનિયર નેતાઓ અને રઘુ શર્મા પણ આ વાતનો વિરોધ કરી રહ્યા છે.
રાહુલ ગાંધીના નિવાસ સ્થાન પર શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, પરેશ ધાનાણી,મધુસુદન મિસ્ત્રી,અર્જુન મોઢવાડિયા,નરેશ રાવલ,કનુ કલસરિયા,બિમલ શાહ,અમી યાગ્નિક,દિપક બાબરિયા અને જગદીશ ઠાકોર સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિતિ છે. ત્યારે આ બેઠકમાં એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, હાર્દિક પટેલને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ બનાવશે તો 20 ધારાસભ્યો સહિત કેટલાક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસની સાથે છેડો ફાડી શકે છે.તો બીજી તરફ કેટલાક સિનિયર નેતાઓ માને છે કે, ભરતસિંહ સોલંકીને ફરી કોંગ્રેસ પ્રમુખ બનાવામાં આવે તેવી શક્યતા છે.
મહત્ત્વની વાત છે કે, અગાઉ વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસને એક પણ બેઠક ન મળવા વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તેમના રાજીનામાં હાઈકમાન્ડને મોકલી આપ્યા હતા.પણ તે સમયે હાઈકમાન્ડ દ્વારા તેમના રાજીનામાં સ્વીકારવામાં આવ્યા નહોતા અને ત્યારથી લઇને અત્યાર સુધી કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાને લઇને કોઈ નિર્ણય કરી શક્યુ નથી.