લખનઉ, તા.૧૨ : ઉત્તર પ્રદેશમાં કાશી અને મુથરામાં મંદિર અને મસ્જિદ સંબંધિત કેસમાં ગુરુવારે અલગ અલગ કોર્ટમાં સુનાવણી થઈ.વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના કેસમાં આજે કોર્ટે મુસ્લિમ પક્ષને ફટકો આપતાં કોર્ટ કમિશનર હટાવવાનો ઈનકાર કરી દીધો. એટલું જ નહીં મસ્જિદની અંદર સહિત આખા પરિસરનો સરવે ૧૭મી પહેલાં કરવા માટે આદેશ આપ્યો. બીજીબાજુ અલ્હાબાદ હાઈકોર્ટે મથુરા કોર્ટને શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ મુદ્દે દાખલ કેસનો ચાર મહિનામાં ઉકેલ લાવવા નિર્દેશ આપ્યો.કાશી વિશ્વનાથ મંદિર પાસેની જ્ઞાાનવાપી મસ્જિદ કેસમાં સરવે માટે નિયુક્ત કોર્ટ કમિશનર બદલવા અંગેની અરજી પર સતત ત્રણ દિવસ સુધી બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી સિવિલ જજ (સિનિયર ડિવિઝન) રવિ કુમાર દિવાકરની અદાલતે બુધવારે ચૂકાદો અનામત રાખ્યો હતો.કોર્ટે ગુરુવારે આદેશ આપ્યો હતો કે, મસ્જિદ સહિત સંપૂર્ણ પરિસરનો સરવે થશે.મસ્જિદનું ભોંયરું ખોલીને અથવા તેનું તાળું તોડીને પણ સરવેની કામગીરી કરવામાં આવે.વધુમાં કોર્ટ કમિશનર અજય મિશ્રને બદલવામાં નહીં આવે. તેઓ આખી ટીમનું નેતૃત્વ કરશે.તેમની સાથે અજય પ્રતાપ સિંહનો પણ સમાવેશ કરાયો છે.
અદાલતે આદેશ આપ્યો કે કોર્ટ કમિશનર ફરિયાદી, વિપક્ષી અને અન્ય જરૂરી લોકો સાથે સ્થળ પર સવારે ૮થી બપોરે ૧૨ વાગ્યા સુધી સરવે કરશે. તેમણે ૧૭મી મે સુધીમાં સરવેની કાર્યવાહી પૂરી કરીને અદાલતમાં રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.અદાલતે જિલ્લા તંત્ર અને પોલીસ અધિકારીઓની કામગીરી પર સવાલ ઉઠાવતા નારાજગી પણ વ્યક્ત કરી હતી. આદેશમાં કહેવાયું છે કે સ્થળ પર મસ્જિદની અંદર પ્રવેશ કરતી વખતે પોલીસ અને તંત્રનો સહયોગ મળ્યો હોત તો આજે સરવેની કાર્યવાહી પૂરી થઈ ગઈ હોત.કોર્ટે સુનાવણી દરમિયાન જિલ્લા તંત્ર અને પોલીસ કમિશનર તરફથી કોઈ સોગંદનામું દાખલ નહીં થવા અંગે નારાજગી પણ વ્યક્ત કરી હતી.આ પહેલા ફરિયાદી પક્ષના વકીલે કોર્ટનેજ્ઞાનવાપી મસ્જિદનું ભોંયરું ખોલાવીને અથવા તેનું તાળું તોડીને પણ સરવેની કામગીરી પૂરી કરાવવા અપીલ કરી હતી. કોર્ટે પોલીસને સરવેની કામગીરીમાં અવરોધ ઊભા કરનારા સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
સિવિલ કોર્ટના આદેશ સાથે જ્ઞાાનવાપી મસ્જિદમાં વીડિયોગ્રાફી સરવેનો રસ્તો ખૂલ્લો થઈ ગયો છે.આ કેસ મુદ્દે હરિશંકર જૈને કહ્યું હતું કે, ભોંયરામાંથી શું મળશે તે અંગે પોતે કશું કહી શકે તેમ નથી. પરંતુ ઈતિહાસ કહે છે કે અહીં મંદિર હતું અને તેને તોડીને મસ્જિદ બનાવાઈ છે.ત્યાં દેવી-દેવતાઓના ચિહ્ન આજે પણ હયાત છે.આ સમયમાં મંદિરના અનેક પ્રતિકોને તોડવામાં આવ્યા છે અથવા તેના પર ચૂનો ચોપડીને કે સીમેન્ટ ચઢાવીને દૂર કરવાનો પ્રયાસ કરાયો છે.તેમણે ઉમેર્યું કે, આ કેસ ૧૯૩૬માં દાખલ થયો હતો.તે કેસ સિમાચિહ્નરૂપ છે. કેસ દીન મોહમ્મદ વિ. ભારત સરકાર વચ્ચે હતો.તેમાં કોઈ હિન્દુ પક્ષકાર નહોતા. ભારત સરકારે મસ્જિદ હોવાના દાવાનો વિરોધ કર્યો હતો.તેમાં ૧૬ હિન્દુ સાક્ષીઓ હાજર થયા હતા. બધાએ એક સૂરમાં કહ્યું હતું કે તેઓ બધા ત્યાં પૂજા કરે છે.ત્યાં ભગવાન ગણેશજી, નંદીજી, ગંગાજી અને અન્ય અનેક દેવી-દેવતા છે.આ જજમેન્ટ રેકોર્ડમાં છે.સાક્ષીઓ પણ ઓન રેકોર્ડ છે.તેને નકારી શકાય નહીં. આ સાક્ષીઓને મુસ્લિમ પક્ષ તરફથી પડકારવામાં પણ નહોતી આવી.અયોધ્યા મંદિરની જેમ આ કેસને પણ અદ્ધર લટકાવી દેવાયો છે.