કેન્દ્રમાં મંત્રીપદ મેળવવા માટે જ્યોતિરાદિત્યએ કોંગ્રેસ સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનો પૂર્વ સીએમનો આક્ષેપ
એજન્સી, ભોપાલ
મધ્ય પ્રદેશમાં રાજકીય ઘમસાણ વચ્ચે કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે જણાવ્યું કે, જ્યોતિરાદિત્ય સિંધિયાએ સત્તાની ભૂખને સંતોષવા માટે પોતાની વિચારધારા સાથે સમજૂતિ કરી છે. તેમણે આક્ષેપ કર્યો કે કેન્દ્રમાં મંત્રી પદ મેળવવા માટે સિંધિયો કોંગ્રેસ તેમજ ગાંધી પરિવાર સાથે છેડો ફાડ્યો અને વિશ્વાસઘાત કર્યો. સિંહે જણાવ્યું કે, જ્યોતિરાદિત્યના દાદી વિજયરાજે સિંધિયાએ તેમને પણ જનસંઘમાં જોડાવવાની ઓફર કરી હતી, પરંતુ તેમણે વિચારધારા માટે ઈનકાર કરી દીધો હતો.
દિગ્વિજય સિંહે શનિવારે ભોપાલમાં જણાવ્યું કે, ‘મને ક્યારેય એવી આશા ન હતી કે મહારાજ કોંગ્રેસ તેમજ ગાંધી પરિવાર સાથે વિશ્વાસઘાત કરશે. આવું શા માટે કર્યું? રાજ્યસભામાં જવા અને મોદી-શાહના નેતૃત્વમાં કેબિનેટ મંત્રી બનવા માટે. આ દુ:ખદ છે. મને ક્યારેય તેમની પાસેથી આવી અપેક્ષા નહતી. પરંતુ કેટલાક લોકો માટે સત્તાની ભૂખ વિશ્વસનિયતા અને વિચારધારાથી વધુ મહત્વપૂર્ણ હોય છે.’
દિગ્વિજયે કહ્યું – મેં 10 વર્ષ સુધી સત્તા બહાર રહીને કામ કર્યું
દિગ્વિજય સિંહે જણાવ્યું કે, મેં 2004-2014 સુધી સત્તા બહાર રહીને કોંગ્રેસ માટે કામ કર્યું છે. મને મંત્રીમંડળમાં સામેલ થવાની ઓફર કરાઈ હતી પરંતુ મે ઈનકાર કરી દીધો. હું મારા ક્ષેત્રે રાજગઢથી સરળતાથી લોકસભામાં જઈ શકતો હતો પરંતુ મે ઈનકાર કરી દીધો અને કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. મારા માટે વિશ્વસનિયતા અને વિચારધારા મહત્વપૂર્ણ છે. દુર્ભાગ્યરીતે ભારતના રાજકીય પરિદ્રશ્યમાંથી આજે આ ગાયબ થઈ ગઈ છે.