મુંબઈ : ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે સોમવારે તેના રિપોર્ટમાં કહ્યું હતું કે ચાલુ વર્ષ 2020-21માં જ્વેલરીનું વેચાણ 25 ટકા ઘટશે તેવી ધારણા છે. કોરોનાને કારણે લોકડાઉનને પગલે લોકોની આવક ઘટશે જેને કારણે આગામી દિવસોમાં વેચાણ ઘટશે.રિપોર્ટ અનુસાર જ્વેલરીની માંગ મુખ્યત્વે લગ્નની સિઝનમાં વધારે હોય છે અને અનેક તહેવારો પ્રથમ ક્વાર્ટરમાં આવતા હોય છે,જે માંગ લોકડાઉનને કારણે ધોવાઈ ગઈ છે.રિટેલ જ્વેલરીની માંગ એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના(પ્રથમ છ માસિક) ગાળામાં નબળી રહેશે. જોકે પછીથી માંગમાં ઝડપી રિકવરી થવાની ધારણા છે.કારણ કે ઓક્ટોબરથી ડિસેમ્બરના ગાળામાં દીવાળી સહિતના તહેવારોની સિઝન આવશે.
ગોલ્ડ જ્વેલરીની માંગ 2019-20માં પણ નબળી રહી હતી કારણ કે ગયા વર્ષે પણ આર્થિક નરમાઈ હતી અને સોનાના ભાવ પણ ખાસ્સા ઊંચા હતા. ચાલુ વર્ષે માંગમાં રિકવરીની શક્યતા કોવિડ-19ને કારણે ધૂંધળી થઈ ગઈ છે.સોનાની માંગમાં ઘટાડો થઈ શકે છે,કારણ કે કોરોના ઘટનાક્રમ પછી લોકોની ખરીદશક્તિ ઘટવાની શક્યતા છે.આથી રિટેલ જ્વેલરીની કુલ માંગ ચાલુ વર્ષે 25 ટકા ઘટવાની સંભાવના છે.સોનાના ઊંચા ભાવને કારણે પણ માંગ ઘટશે.
ઈન્ડિયા રેટિંગ્સે કહ્યું છે કે તેણે 2020-21 માટે જીડીપી ગ્રોથનો અંદાજ બે વાર બદલીને 1.9 ટકા કર્યો છે અને હજી પણ તેમાં ઘટાડો થઈ શકે છે. જોકે ગ્રામીણ વિસ્તારોમાં અને લગ્નની સિઝનમાં માંગ સારી રહેવાની ધારણા છે.આગામી જાન્યુઆરી-માર્ચના ક્વાર્ટર(2021)માં જ્વેલરીનું વેચાણ વધવાની સંભાવના છે.તે સમયે બેઝ ઈફેક્ટ પણ જોવા મળશે અને આર્થિક પ્રવૃત્તિ પણ સુધરશે. જો લોકડાઉન વધારે સમય લંબાવાશે તો આ અંદાજમાં પણ ઘટાડો થઈ શકે છે.ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવ ઊંચા રહ્યા છે.કોરોનાને કારણે વૈશ્વિક બજારોમાં સૌથી સલામત રોકાણ તરીકે લોકો સોનામાં રોકાણ વધારી રહ્યા છે.
બીજી તરફ ઈક્વિટી માર્કેટમાં પણ ઊથલ-પાથલ હોવાથી રોકાણકારો ગોલ્ડ તરફ ડાઈવર્ટ થયા છે.વળી,ગોલ્ડમાં લોકોની ખરીદીની મર્યાદા હોય છે અને તેમાં સોનાના ભાવ વધ્યા હોવાથી કુલ ખરીદીમાં ઘટાડો થશે.સોનાની આયાતમાં પણ ઘટાડો થવાની સંભાવના છે.2020-21માં સોનાની આયાત એક દાયકાની નીચી સપાટીએ રહેશે તેમ આ રિપોર્ટમાં કહેવાયું છે.જોકે લાંબા ગાળે સોનાની માંગ વધી શકે છે.કારણ કે મધ્યમ વર્ગ અને પગારદાર વર્ગ બચત કરશે કારણ કે તેઓ આગામી કેટલાક સમય સુધી તેમના પ્રવાસ સહિતના અનેક આયોજનો પડતા મૂકશે.જોકે આ પૈકી કેટલી બચત તેઓ જ્વેલરી ખરીદવા માટે કરે છે તે જોવું પડશે.