– પાંડેસરા ડુંડી ગામ તરફના રોડ ઉપર પરપ્રાંતીય લાગતી મહિલાની લાશ કહોવાઈ ગયેલી છે
– માથામાં સિંદૂર,કાનમાં સોનાની ધાતુ જેવી બુટ્ટી,હાથમાં કડું,પગમાં પાયલ મળ્યા
સુરત : સુરતના પાંડેસરા ડુંડી ગામ તરફ રસ્તાની બાજુમાં ઝાડી ઝાંખરાવાળા પ્લોટમાં ઝાડ પરથી અજાણી યુવાન મહિલાની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી.પરપ્રાંતીય લાગતી મહિલાની લાશ ચાર દિવસ જૂની હોય કહોવાઈ ગઈ હતી.
પોલીસ સૂત્રો તેમજ નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગતસાંજે પાંચ વાગ્યાના અરસામાં પાંડેસરા ડુંડીગામ તરફ રસ્તાની બાજુમાં ફોલોમી સિમેન્ટની સામે આવેલા ઝાડીઝાખરા વાળા પ્લોટમાં ખીદડીના ઝાડ ઉપર દુપટ્ટા વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં એક મહિલાની લાશ નજરે ચઢતા પશુપાલક લાલાભાઇ હિંદુભાઇ ભરવાડે પાંડેસરા પોલીસને જાણ કરી હતી.સ્થળ પર પહોંચેલી પોલીસે તપાસ કરતા અંદાજીત 20 થી 25 વર્ષની અજાણી મહિલાના માથામાં સિંદૂર હતું અને તેણે કાનમાં સોનાની ધાતુ જેવી બુટ્ટી અને પગમાં ચાંદીની ધાતુ જેવા પાયલ અને હાથમાં ચાંદીની ધાતુ જેવું કડું પહેર્યું હતું.
નેવી બ્લ્યુ લેગીંગ્સ અને કેસરી કુર્તી પહેરેલી પરપ્રાંતીય જેવી દેખાતી મહિલાની લાશ કહોવાઈ ગઈ હોય ચાર દિવસ અગાઉ તેનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.પાંડેસરા પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી તેની ઓળખ માટે તજવીજ હાથ ધરી છે.