મુંબઇ : મુંબઇમાં લગભગ મહિના પહેલાં ટમેટા રિટેલમાં ૨૦ થી ૨૫ રૃપિયે કિલો વેંચાતા હતા તેના ભાવમાં જબરજસ્ત ઉછાળો આવતા ૬૦ થી ૮૦ રૃપિયે કિલો વેંચાવા લાગ્યા છે.બીજી બાજુ અત્યાર સુધી નીચોવી નાખે એવા ભાવે વેચાતા લીંબુ સસ્તા થવા માંડયા છે.નવી મુંબઇમાં વાશીની એપીએમસી માર્કેટમાં ટમેટાની આવકમાં ઘટાડો થતા જથ્થાબંધ કિંમત વધવા માંડી છે.અત્યારે હોલસેલનો ભાવ ૩૦ થી ૪૦ રૃપિયા છે.આ જ ટમેટા રિટેલમાં ૬૦ થી ૭૦ અને અમુક એરિયામાં ૮૦ રૃપિયે કિલો વેંચાવા માંડયા છે.વાશીની હોલસેલ માર્કેટમાં એક મહિના પહેલાં ટમેટા ૧૦ થી ૧૫ રૃપિયે કિલો વેંચાતા હતા.ત્યાર બાદ અસહ્ય તાપમાં ટમેટાનો પાક બગડવા માંડતા આવક ઘટી છે.ખેતરોમાં ટમેટાનો પાક નાશ માપ્યો છે.આમ હોલસેલ માર્કેટમાં આવક ઘટવાથી કિંમત વધવા માંડી છે એમ વેપારીઓનું કહેવું છે.અધુરામાં પૂરૃં ઇંધણના દર વધારાને ટ્રાન્સપોર્ટ ખર્ચ વધવાથી પણ ટમેટા અન બીજા શાકભાજીના ભાવમાં વધારો થયો છે.બીજી તરફ સામાન્ય લોકો માટે રાહતના સમાચાર એ છે કે લીંબુ સસ્તા થવા માંડયા છે.દસ-બાર રૃપિયે એક લીંંબુ વેંચાતુ તેની કિંમત ઘટીને પાંચ રૃપિયા થઇ ગઇ છે.વાશીની જથ્થાબંધ બજારમાં લીબુંનો કિલોનો ભાવ વધીને ૧૫૦ રૃપિયા સુધી પહોંચ્યો હતો.હવે ધીરે ધીરે માર્કેટમાં લીંબુના માલની આવક વધવાને કારણે ૫૦ થી ૮૦ રૃપિયે કિલો મળવા માંડયા છે.એપીએમસી માર્કેટમાં દરરોજ ચાર થી પાંચ ટ્રક ભરીને લીંબુ આવવા માંડયા છે.આવકમાં હજું વધારો થશે એવું વેપારીઓનું અનુમાન છે.