ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા કતારગામથી પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે.જોકે સ્થાનિક લેવલે આપ કાર્યકર્તાઓમાં રોજે રોજ કોઈક ને કોઈક વિરોધ અને અણગમાના અહેવાલો આવતા રહે છે.એવામાં કતારગામ બેઠક પરના ઉમેદવાર ઈટાલિયાના એક નિવેદને ફરી ગુજરાતનું રાજકારણ ગરમાવ્યું છે.ગુજરાત આમ આદમી પાર્ટીના આધિકારિક ટ્વીટર હેન્ડલે ગોપાલ ઇટાલિયાની કતારગામમાં યોજાયેલ એક સભાનો વિડીયો મુક્યો છે જેમાં તેઓ ગુજરાત ચૂંટણીને લઈને IBના કોઈ સર્વેની વાત કરી રહ્યા છે.
વિડીયો સાથે લખવામાં આવ્યું છે કે, દેશના પ્રતિષ્ઠિત અખબાર એવા Times Of India એ કેન્દ્ર આઈ.બી નો એક સર્વે અહેવાલ છાપ્યો છે.! જેમાં લખ્યું છે કે કતારગામ થી ભ્રષ્ટાચારીઓ ઘરભેગા થવાના છે અને આમ આદમી પાર્ટી જીતી રહી છે..!
દેશના પ્રતિષ્ઠિત અખબાર એવા Times Of India એ કેન્દ્ર આઈ.બી નો એક સર્વે અહેવાલ છાપ્યો છે.!
જેમાં લખ્યું છે કે કતારગામ થી ભ્રષ્ટાચારીઓ ઘરભેગા થવાના છે અને આમ આદમી પાર્ટી જીતી રહી છે..! @Gopal_Italia #MoodOfGujarat pic.twitter.com/3cexerN2dK
— AAP Gujarat (@AAPGujarat) November 21, 2022
વિડીયોમાં ઇટાલિયા કહેતા સંભળાય છે કે, આજે તમને 2 ખુશખબર આપવા છે,વાતની શરૂઆતમાં.દેશનું સૌથી જૂનું અને સૌથી પ્રતિષ્ઠિત છાપું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા,અંગ્રેજી છાપું છે.ખુબ જૂનું છાપું છે.આઝાદી પહેલાનું છાપું છે.એ છાપામાં આજે ભારત સરકારની સેન્ટ્રલ IBનો એક અહેવાલ છપાયો છે કે, કતારગામમાં આમ આદમી પાર્ટી જંગી લીડથી જીતે છે.
આગળ તેઓ કહે છે, આજના જ છાપામાં છે, હું મારા ઘરનું કાંઈ કહેતો નથી.ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ લખ્યું છે.અને એમાં પહેલી લાઈનમાં લખ્યું છે સેન્ટ્રલ IBનો રિપોર્ટ એમ બતાવે છે કે ભ્રષ્ટાચારીઓ ઘરભેગા થવાના છે અને ઈમાનદાર આમ આદમી પાર્ટી જીતવાની છે.આમ ગોપાલ ઇટાલિયાએ કેન્દ્રીય એજન્સી અને સમાચારપત્ર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું નામ દઈને પોતાની વિધાનસભામાં પોતે મોટી બહુમતીથી જીતી રહ્યા છે એવું નિવેદન આપ્યું હતું.
ખરેખર શું કહ્યું છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલમાં
એક ખાનગી પોર્ટલે જયારે આ બાબતે તપાસ કરી તો અમને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાંથી આ બાબતે કોઈ અહેવાલ તો ન મળ્યો, માત્ર એક નાની ગોસિપ કોલમ મળી હતી.
આ કોલમમાં જે પણ લખવામાં આવ્યું છે એ અહેવાલોને ટાંકીને સંભાવનાઓ દર્શાવવામાં આવી છે.અને આ સંભાવનાઓ પણ ભાજપના બે નેતાઓ હર્ષ સંઘવી અને સીઆર પાટીલ પર સુરતની બેઠકોના પરિણામ પરથી શું અસર પડી શકે એ સંદર્ભમાં છે.આમાં કોઈ નક્કર પરિણામલક્ષી વાત નથી કરવામાં આવી.કોલમમાં લખવામાં આવ્યું છે કે સુરતની પાંચ બેઠકો કામરેજ,વરાછા,કરંજ,કતારગામ બેઠક અને ઓલપાડ પર આપની સારી એવી પકડ છે.જેમાંથી 4 બેઠકો સુરત શહેર વિસ્તારની છે.આ શહેરમાંથી ગુજરાત ભાજપના બે મોટા નેતાઓ હર્ષ સંઘવી અને સીઆર પાટીલ આવે છે.કોલમમાં આગળ કહેવાયું છે કે, જો આપ અહીં જીતે અથવા કોંગ્રેસને જીતવામાં મદદ કરી શકે તો ભાજપના આ બંને નેતાઓની ટીકા થઇ શકે છે.રાજકીય વર્તુળો એ બાબત પર નજર ટાંકીને બેઠા છે કે આ બંને નેતાઓ આ વિસ્તારમાં આપના પ્રભાવને કઈ રીતે નાથે છે.
આમ આ ગોસિપ કોલમ સંપૂર્ણ રીતે સંભાવનાઓ પર આધારિત છે અને તેમાં આપ કોઈ પણ સીટ જીતશે તેવી કોઈ જ વાત કરવામાં નથી આવી.ઉપરાંત ઇટાલિયા જેમ કહી રહ્યા છે તેમ આ કોલમમાં માત્ર કતારગામ બેઠક જ નહિ બાકીની 4 બેઠકોનો પણ ઉલ્લેખ છે,જેનો સમાવેશ તેઓએ કયા કારણસર પોતાના નિવેદનમાં નહિ કર્યો હોય તે પણ શંકા ઉપજાવે એમ છે.
સર્વેના નામે લોકોને ભોળવવાની કેજરીવાલ અને AAPની જૂની આદત
આ પહેલીવાર નથી કે આમ આદમી પાર્ટી કે તેના કોઈ નેતાએ કોઈ સર્વેનું નામ લઈને લોકોને ભોળવવાનો કે તેમનું ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કર્યો હોય.આ પહેલા અરવિંદ કેજરીવાલ સહિત અનેક આપ નેતાઓએ આવા પ્રયત્નો કર્યા છે અને બાદમાં ખુલ્લા પડી ચુક્યા છે.આમ આદમી પાર્ટીના ગુજરાતમાં સર્વેના નામે ફેલાવવામાં આવેલ જુઠાણાઓ પર એક વિશેષ અહેવાલ તૈયાર કરેલો છે.ઉપરાંત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ દ્વારા ગુજરાત સિવાયના રાજ્યોમાં પણ સર્વેની રમતો રમાઈ છે.
તો આમ, આમ આદમી પાર્ટી સર્વેના નામે ખોટી રીતે સામાન્ય નાગરિકોને ભોળવવાની પોતાની જૂની આદતથી મજબુર છે.અને આ આદત દર વખતે દરેક જગ્યાએ તેને ભારે પડી છે એ પણ એક હકીકત છે.