ગુજરાતમાં જે ધારાસભ્યની સામે ગેરકાયદેસર હથિયાર રાખવા, ટાડા, કસ્ટમ એક્ટ, પોલીસ જાપ્તામાંથી ભાગી જવા, મારામારી, મિલકત પડાવવા જેવા કેસ થયા છે.તે ધારાસભ્યને પોલીસ વિરુદ્ધ આવેલી ફરિયાદોમાં સરકારને કાર્યવાહી કરવાની ભલામણ કરનારી કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે.કુતિયાણાના NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાની નિમણૂક ભાજપ સરકાર દ્વારા પોલીસ કમ્પ્લેઇન ઓથોરીટીમાં કરવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર ઘણી વખત એવા કિસ્સાઓ બહાર આવતા હોય છે કે,અસામાજીક તત્ત્વો,પૈસાદાર વ્યક્તિ અને ઓળખાણ ધરાવતા વ્યક્તિને કારણે કોઈ વ્યક્તિની ફરિયાદ લેવામાં પોલીસ મોડું કરે છે અથવા તો તે વ્યક્તિની ફરિયાદ નોંધતી નથી.આ ઉપરાંત વગદાર કે,પૈસાદાર વ્યક્તિની સામે પોલીસ દ્વારા મોડેથી ફરિયાદ નોંધાઈ છે.આવા કિસ્સાઓમાં વધારો થતો હોવાના કારણે સુપ્રીમ કોર્ટ દ્વારા રાજ્ય અને જિલ્લા કક્ષાએ પોલીસ કમ્પલેઇન ઓથોરિટીની રચના કરવા બાબતે સરકારને આદેશ કરવામાં આવ્યા હતા.જેથી રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લામાં પોલીસ કમ્પ્લેઇન ઓથોરિટીની રચના કરવામાં આવી છે અને આ કમિટીમાં NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાની નિમણુક પણ કરવામાં આવી છે.
કમ્પ્લેઇન ઓથોરીટીમાં જે ધારાસભ્યની નિમણૂક કરવામાં આવે છે,તે ધારાસભ્ય દ્વારા પોલીસ વિરૂધ્ધ મળતી લોકોની ફરિયાદને લઈને જેતે અધિકારીઓ સામે સરકારમાં કાર્યવાહી કરવા માટે ભલામણ કરવામાં આવે છે.ત્યારે પોરબંદર જિલ્લાની કમ્પ્લેઇન ઓથોરીટીમાં કુતિયાણાના NCPના ધારાસભ્યની નિમણૂક કરવામાં આવી છે.
કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા સામે અગાઉ પોરબંદર, રાજકોટ અને અમદાવાદના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં પોલીસ જાપ્તામાંથી ભાગી જવા, ગેરકાયદેસર હથિયાર રાખવા, કસ્ટમ એક્ટ, ટાડા, મારામારી અને મિલકતો પર કબજો કરવા જેવી ફરિયાદો થઇ છે અને હાલ કાંધલ જાડેજા સામે ત્રણ કેસો ચાલી રહ્યા છે. ત્યારે આવા ધારાસભ્યને પોરબંદર જિલ્લાની કમ્પ્લેઇન ઓથોરીટીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
હવે કાંધલ જાડેજા લોકો તરફથી મળતી ફરિયાદના આધારે જે તે પોલીસકર્મી કે, અધિકારી સામે જ સરકારને તપાસ કરવા માટેની ભલામણ કરશે.ઉલ્લેખનીય છે કે,કાંધલ જાડેજા દબંગ MLA તરીકેની છાપ ધરાવે છે.રાજ્યસભાની ચૂંટણીમાં પોતાની પાર્ટીના વ્હીપના વિરોધમાં જઈને ત્રણ વખત ભાજપના ઉમેદવારને મત આપી ચૂક્યા છે.જેના કારણે કાંધલ જાડેજાને કમ્પ્લેઇન ઓથોરીટીમાં નિયુક્ત કરવામાં આવ્યા હોય તેવી પણ ચર્ચા ચાલી રહી છે.


