અમદાવાદ : કૃષ્ણનગરના વેપારી પાસેથી ટીએમટી સળિયાના 1.59 કરોડ ન ચૂકવનાર ત્રણ વેપારીઓએ કરેલી આગોતરા જામીન અરજી એડિશનલ સેશન્સ જજ ડી.ડી.ઠક્કરે ફગાવી દીધી છે.કોર્ટે નોંધ્યું હતું કે,આરોપીઓ સામે પ્રથમદર્શી કેસ બને છે,આ કેસની તપાસ માટે આરોપીઓનું કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી છે ત્યારે આરોપીઓને આગોતરા જામીન પર મુક્ત કરી શકાય નહીં.હાંસોલમાં રહેતાશૈલેષભાઇ સાકળચંદ પટેલે 31 ડિસેમ્બર,2021થી 10 જાન્યુઆરી 2022 સુધી અલગ અલગ પેઢીને ટીએમટી સળિયાનો માલ આપ્યો હતો. જેમાં તેમને અમૂક પૈસા મળ્યા હતા.જ્યારે જુદી જુદી કંપનીના પ્રોપરાઇટરે માલ ખરીદી અન્ય વેપારીઓને ઓછા ભાવે માલ વેચી દીધો હતો અને શૈલેષભાઇની કંપનીને લેવાના નીકળતા 1.59 કરોડ આપ્યા ન હતા.આ મામલે શેલેષભાઇએ ચેતન રમણભાઇ પંચાલ,કૃણાલ ચંદુભાઇ ધોલરિયા,બીદલકુમાર યોગેશભાઇ પટેલ,હરેશખુમાર દિનેસભાઇ કોટડિયા,નારણભાઇ પિતામ્બરભાઇ પ્રજાપતિ,હર્દિક વિઠ્ઠલભાઇ પટેલ અને ભરત સિંઘલ સામે ફરિયાદ નોંધાવી હતી.
આ કેસમાં ધરપકડથી બચવા હર્દિક વિઠ્ઠલભાઇ પટેલ,હરેશખુમાર દિનેશભાઇ કોટડિયા,કૃણાલ ચંદુભાઇ ધોલરિયાએ આગોતરા જામીન અરજી કરી એવી રજૂઆત કરી હતી કે,અમે નિર્દોષ છીએ ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે,અમે વેપારીઓ છીએ કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છીએ તેથી આગોતરા જામીન પર મુક્ત કરવા જોઇએ.અરજીનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે એવી દલીલ કરી હતી કે,ગંભીર પ્રકારનો ગુનો છે,આરોપીઓએ માલ લઇ પૈસા ચૂકવ્યા ન હોવાના દસ્તાવેજી પુરાવા છે,આરોપીઓનું કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી છે ત્યારે આવા કેસમાં આગોતરા જામીન પર આરોપીઓને મુક્ત કરવામાં આવે તો કાયદાની સમાજ પર વિપરીત અસર પડે તેમ છે તેથી આગોતરા જામીન ન આપવા જોઇએ.