ભાવનગર : તળાજાના ટીમાણા ગામનો શખ્સ સગીરાને ભગાડી જઈ અપહરણ કરી સગીરા ઉપર દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાવી હતી.જે કેસ આજરોજ મહુવાની ચોથી એડીશનલ સેસન્સ કોર્ટમાં ચાલી જતા ન્યાયમૂર્તીશ્રીએ આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન કારાવાસની સજા ફરમાવી હતી. તેમજ ભોગ બનનાર સગીરાને ૪૦ હજાર ચુકવવા હુકમ કર્યો હતો.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર તળાજા તાલુકાના ટીમાણા ગામે રહેતો મહેન્દ્ર ભાયાભાઈ ઉર્ફે ભાયશંકરભાઈ ધાંધલ્યા (ઉ.વ. ૨૨) ગત તા. ૬.૩.૧૮ના રોજ આજ ગામની સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ભગાડી જઈ અપહરણ કરી શખ્સે લગ્નની લાલચ આપી શરીર સબંધ બાંધી દુષ્કર્મ આચરતા સગીરાના પિતાએ જે તે સમયે ફરીયાદ નોંધાવતા તળાજા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધર્યા બાદ નામદાર કોર્ટમાં ચાર્ટશીટ રજૂ કરી હતી.
ઉક્ત કેસ મહુવાના ચોથા એડીશનલ સેસન્સ જજશ્રી દિવ્યાંગભાઈ ત્રિવેદીની અદાલતમાં ચાલી જતા ૪૪ દસ્તાવેજી પુરાવા, ૧૮ સાહેદોની જુબાની અને સરકારી વકીલ વિજયભાઈ માંડલીયાની દલીલોને ધ્યાન પર લઈ આરોપી મહેન્દ્ર ભાયાભાઈ ધાંધલ્યાને પોક્સો એક્ટ ૪ મુજબના ગુનામાં તકસીરવાન ઠરાવી આજીવન કારાવાસ(તેના બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધી)ની સજા અને ૨૫ હજારનો દંડ જો દંડ ન ભરે તો વધુ એક વર્ષ કેદની સજા ફરમાવી હતી. તેમજ ભોગ બનનારને પુનઃ વસન માટે અને શારિરીક માનસીક ત્રાસ સબબ પોક્સો એક્ટની કલમ ૩૩ મુજબ અને સીઆરપીસી ૩૫૭(એ) મુજબ તેમજ ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્યુઅલ ઓફેન્સ રૂલ્સ અન્વયે રૂા. ૪૦ હજારનું વળતર ચુકવવા ન્યાયમૂર્તીશ્રીએ હુકમ ફરમાવ્યો હતો.