ગોરેગાંવ સ્થિત ડીબી વૂડ્ઝની સમિતિએ ટીવી અભિનેતા પાર્થ લાઘાટે (પાર્થ સમથાન) વિરૂદ્ધ બીએમસી અને દિંડોશી પોલીસમાં ફરિયાદ સુપરત કરી છે.
સોસાયટીનો આક્ષેપ છે કે, કોવિડ-19ના સંપર્કમાં આવનાર લાઘાટેનો ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ તે તેનો મેઇડ પોઝિટિવ હોવા છતાં તેને ત્યાં જ રાખીને તરત જ પૂણે જવા રવાના થઇ ગયો હતો.
ફરિયાદ અનુસાર ૧૪ જુલાઇના રોજ અભિનેતાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને ચાર દિવસ પછી તેનો રસોઇયો સુનિલ સાહુ (30) પોઝિટિવ આવ્યો હતો.૨૧ જુલાઇએ લાઘાટેનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો,પણ સાહુનો ટેસ્ટ પોઝિટિવિ આવ્યો હતો,જે વિશે લાઘાટેએ સોસાયટીને જાણ કરી ન હતી.
રસોઇયાને રામભરોસે મૂકીને રવાના
સોસાયટીના સેક્રેટરી આશિષ સરાફે જણાવ્યું હતું કે, ‘અમને અમારી સોસાયટીનો એક સભ્ય પોઝિટિવ આવ્યો હોવાનું સોશ્યલ મીડીયા પરની તેની પોસ્ટ પરથી માલૂમ પડ્યું. અમે સોસાયટીમાં કોવિડ-19 કમિટિની રચના કરી છે અને આઇસોલેશન સુવિધા ઊભી કરી છે. તેણે તેના પાડોશીઓ અને સોસાયટીને જાણ કરવી જોઇતી હતી.’
સોસાયટીના સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે,બીએમસીએ લાઘાટેનો ફ્લોર સીલ કર્યો હોવા છતાં ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ લાઘાટે ઘરની બહાર નીકળવા માંડ્યો હતો. ‘બીએમસીએ ૩૧ જુલાઇ સુધી તે સેક્શન સીલ કર્યું હતું.લાઘાટેને ઘરની બહાર ન નીકળવાની તાકીદ કરાઇ હોવા છતાં ૨૭મી જુલાઇની સાંજે તે બહાર ગયો અને બીજા દિવસે મળસ્કે પાછો ફર્યો.બિમાર રસોઇયાને ઘરમાં એકલો મૂકીને જતા રહેવાનું તેનું વર્તન બેજવાબદારીભર્યું હતું.પરત ફર્યાના થોડા કલાકો બાદ પાડોશીઓની સલાહને અવગણીને તે પૂણે જવા રવાના થયો.તેણે તોછડું વર્તન કર્યું હતું,’ તેમ સરાફે જણાવ્યું હતું.