– નમાઝ પછી બજાર બંધ કરાવવા મુદ્દે હોબાળો, પોલીસ પર પથ્થરમારો
– હિંસામાં સંડોવાયેલા સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ પગલાં લેવાશે, તેમની સંપત્તિ જપ્ત થશે તેમજ તેના પર બુલડોઝર ચાલશે
કાનપુર, તા.૩ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી,રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારે કાનપુરમાં હતા તેવા સમયે જ શહેરમાં એક ટેલિવિઝન શોમાં મોહમ્મદ પયગંબરના કથિત અપમાન અંગે બજાર બંધ કરાવવા મુદ્દે બે જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી અને ટોળાએ સામસામા બોમ્બ ફેંક્યા હતા તથા પથ્થરમારો કર્યો હતો.શહેરમાં શુક્રવારની નમાઝ પછી કાનપુરમાં હિંસા ફાટી નીકળી હતી.ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો.હિંસા પછી પોલીસે ૧૮ લોકોની ધરપકડ કરી છે.
તાજેતરમાં જ્ઞાાનવાપીમાંથી ‘શિવલિંગ’ મળી આવવા મુદ્દે ટેલિવિઝન પર ચાલતી ચર્ચામાં ભાજપ પ્રવક્તા નુપુર શર્માએ અપમાનજનક ટીપ્પણી કરી હોવાનો દાવો કરતાં એક જૂથે શુક્રવારે નમાઝ પછી કાનપુરમાં બજારોની દુકાનો બંધ કરાવવા પ્રયાસ કર્યો કરતા બે જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી.બંને જૂથોએ સામ-સામે બોમ્બ ફેંક્યા હતા અને ગોળીબાર કર્યો હતો.બજારમાં દુકાનો બંધ કરાવવાની ફરજ પાડનારા લોકોએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો.પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ હિંસામાં સંડોવાયેલા લોકો સામે આકરાં પગલાં લેવાના આદેશ આપ્યા છે.આ હિંસના સંદર્ભમાં પોલીસે ૧૮ લોકોની ધરપકડ કરી હતી. અધિક ડિરેક્ટર જનરલ (કાયદો-વ્યવસ્થા) પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે, આ ઘટનાની વીડિયો ક્લિપની મદદથી હિંસામાં સંડોવાયેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.અમને પર્યાપ્ત માત્રામાં વીડિયો ફૂટેજ મળી ગયા છે.તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે. હિંસામાં સંડોવાયેલા લોકો સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ પગલાં લેવાશે તેમજ તેમની સંપત્તિઓ જપ્ત કરાશે અને તેના પર બુલડોઝર પણ ચલાવાશે.
પોલીસ કમિશનર વિજય સિંહ મીણાએ જણાવ્યું કે, મૌલાના મોહમ્મદ અલી,જૌહર ફેન્સ એસોસિએશનના પ્રમુખ હયાત ઝફર હાશ્મીએ ટીવી ડિબેટમાં નુપુર શર્માની ટીપ્પણીના વિરોધમાં શુક્રવારે દુકાનો બંધ કરવા હાકલ કરી હતી.જોકે, અન્ય સમાજના લોકોએ તેનો વિરોધ કરતા હિંસા ફાટી નીકળી હતી.અચાનક ૫૦-૧૦૦ લોકોનું ટોળું રસ્તા પર આવી ગયું હતું અને તેમણે સૂત્રોચ્ચાર કરતા સામેના જૂથ પર પથ્થરમારો કર્યો હતો.પોલીસે બળપ્રયોગ કરીને હાલ સ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું છે.
કાનપુર જિલ્લા મેજિસ્ટ્રેટ નેહા શર્માએ કહ્યું કે, આ હિંસામાં કેટલાક લોકોને ગંભીર ઈજા થઈ છે.તેમને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.કાનપુરમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ રાખવા પ્રોવિન્સિયલ આર્મ્ડ કોન્સ્ટેબ્યુલરી (પીએસી)ની ૧૨ કંપનીઓ મોકલાઈ છે.