રાજકોટ, મોરબી : ધંધાના કામ સબબ રાજકોટથી કચ્છના નલીયા તરફ જઈ રહેલી ઈકો કાર મોરબીથી આગળ માળિયાના પંચવટી ગામના પાટિયા પાસે સવારે સાડા ચાર વાગ્યે પહોંચતા જ આગળ જઈ રહેલા ટ્રકની પાછળ કાર ભટકાઈને ધડાકા સાથે આગ લાગી જતાં આ કારમાં ભરઉંઘમાં રહેલા બે શખ્સો કારમાં જ સળગી જઈ જીવતા ભૂંજાઈ ગયા હતા અને મોત નીપજયુ હતુ જયારે અન્ય બેને ફ્રેકચર જેવી ઈજા થતા એમને સારવારમાં મોકલવામાં આવેલા હતા.
બનાવની વધુ વિગત મુજબ ગોપાલભાઈ મગનભાઈ રામાનુજની ઈકો કાર લઈને મુળ ઉતરપ્રદેશના અને હાલ રાજકોટ કાલાવાડ રોડ એવરેસ્ટ પાર્ક શેરી નંબર -૨માં રહેતા અતુલ જગદીશભાઈ શર્મા, દીવાકર સૌરણભાઈ ચૌહાણ, સંતોષ રામેન્દ્રસિંગ પરમાર ધંધાના કામે કચ્છના નલીયા જવા રવાના થયા હતા.આ કાર આગળ જતા જતા માળિયાના પંચવટી ગામના પાટિયા પાસે આગળ જઈ રહેલા ટ્રકની પાછળ ધડાકા સાથે ભટકાઈ ગઈ હતી અને એ જ સમયે અચાનક કારમાં આગ ફાટી નીકળી હતી.
આ બનાવ બનતા જ જોગાનુજોગ કારના દરવાજા લોક થઈ ગયા હતા.જે ખૂલી શકતા ન હતા આથી કારચાલક ગોપાલ રામાનુજ અને અતુલ જગદીશભાઈ શર્મા બારીના કાચ ખોલીને કૂદી પડયા હતા.જયારે રાત્રિના સમયે કારમાં સૂતેલા દીવાકર સૌરણભાઈ ચૌહાણ અને સતોષ રામેન્દ્રસિંગ પરમારને બચાવી લેવા ખુબજ પ્રયાસો કર્યા હતા.અને રોડ પર બચાવ માટે બૂમો પાડવા લાગ્યા હતા પણ કારમાં વિકરાળ આગના કારણે કોઈ મદદે આવ્યુ ન હતુ અને દીવાકર (૨૮) અને સંતોષ (૨૪) સૂતેલી હાલતમાં જ ભડથું થઈ ગયા હતા.આ સમયે ચાલક ગોપાલ રામાનુજને પગના ગોળામાં ઈજા થઈ હતી અને અતુલને પણ ફ્રેકચર થયુ હતુ જેથી અમ્બ્યુલન્સમાં રાજકોટ લાવ્યા હતા.જયારે કારમાં ભડથુ થઈ ગયેલા દીવાકર અને સંતોષને પોલીસ પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલમાં લાવવામાં આવ્યા હતા.આ ગંભીર બનાવમાં કાર ચાલક ગોપાલ રામાનુજ સામે અતુલ શર્માએ બેફીકરાઈથી ગાડી ચલાવી બે ને મૃત્યુના મૂખમાં ધકેલવા અને ઈજા પહોંચાડવા સબબ ફરિયાદ નોંધાવી છે.


