બનાસકાંઠા, તા. 20 માર્ચ 2022, રવિવાર : રાજસ્થાનની નજીક આવેલા ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે શનિવારે રાત્રે ‘જનતા રેડ’ દરમિયાન એક ટ્રકમાંથી દારૂનો જંગી જથ્થો જપ્ત કર્યો હતો. ત્યારબાદ તેમણે કહ્યું કે,પોલીસની નજર સામેથી જ આ પ્રકારે ગુજરાતમાં ગેરકાયદેસર રીતે દારૂ લાવવામાં આવે છે.
ધરાસભ્ય અને તેમના સમર્થકો દ્વારા કરવામાં આવેલી આ જનતા રેડમાં ટ્રક ડ્રાઈવર સહીત અન્ય એકની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પિટાઈ કરવામાં આવી હતી.થોડીવાર બંનેને બેસાડી રાખવામાં આવ્યા હતા.હવે ધારાસભ્યના જનતા રેડને લઈને પોલીસમાં તેમની સામે અપહરણનો કેસ નોંધવામાં આવ્યો છે.
બીજી તરફ પોતાની સામે અપહરણનો કેસ નોંધાયા બાદ મહિલા ધારાસભ્ય એક્શનમાં આવી ગયા છે અને કહ્યું કે,તે આખો મામલો વિધાનસભામાં ઉઠાવશે.ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે,દારૂની હેરાફેરી કરનારાઓ સામેનું આ યુદ્ધ ખૂબ મજબૂત હશે,તેઓ અટકશે નહીં.તો બીજી તરફ બનાસકાંઠાના જ કોંગ્રેસી ધારાસભ્ય ગુલાબસિંહનું કહેવું છે કે,જનતા રેડના કેસમાં ન્યાયિક તપાસ થવી જોઈએ.
આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય અને વહીવટીતંત્ર સામ-સામે
આ પૂરા મામલામાં હવે વહીવટીતંત્ર અને કોંગ્રેસના ધારાસભ્ય સામ-સામે આવી ગયા છે.હકીકતમાં દારૂનો ગેરકાયદે ધંધો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાને બદલે આ રીતે ધારાસભ્ય સામે ગુનો નોંધાતા હવે કોંગ્રેસ આ પૂરા મામલે આંદોલનના મૂડમાં છે.ધારાસભ્યોની જનતા રેડ બાદ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે અને 174 સ્થળો પર પોલીસે રેડ પાડી હતી.