આ હેલિકોપ્ટર નૌસેનાના જંગી કાફલામાં સામેલ કરાશે,જે સબમરીન હુમલા માટે હથિયારોથી સજ્જ હશે, ૨૫ ફેબ્રુઆરીએ ડીલ પર હસ્તાક્ષરની શક્યતા
ન્યુ દિલ્હી,તા.૨૦
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસ પહેલા સુરક્ષા મામલાની કેબિનેટ કમિટી (સીસીએસ)એ નૌસેના માટે અમેરિકા પાસેથી ૨૪ મલ્ટીરોલ હેલિકૉપ્ટર, રોમિયો ખરીદવાનો નિર્ણય કર્યો છે. સીસીએએ ૨.૬ બિલિયન ડૉલરના આ સોદાને મંજૂરી આપી દીધી. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના ભારત પ્રવાસ દરમિયાન આ સોદા પર મહોર વાગી શકે છે.
આ હેલિકૉપ્ટર નૌસેનાના જંગી કાફલામાં સામેલ કરવામાં આવશે, જે સબમરીન પર હુમલા માટે હથિયારોથી સજ્જ હશે. અમેરિકાની કંપની લૉકહીડ માર્ટિન દ્વારા તૈયાર એમએચ-૬૦ રોમિયો હેલિકૉપ્ટર એન્ટી-સબમરીન અને એન્ટી સર્ફેસ (શિપ) વૉરફેર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ૨૫ ફેબ્રુઆરીએ પીએમ મોદી અને ટ્રમ્પની ઉપસ્થિતિમાં આ ડીલ પર હસ્તાક્ષર થવાની શક્યતા છે.
સૂત્રો મુજબ, આ ડીલ હેઠળ ભારત ૨૪ એમએચ-૬૦ રોમિયો હેલિકૉપ્ટર માટે શરૂઆતમાં ૧૫ ટકા રકમની ચૂકવણી કરશે. ડીલ થયા બાદ તેની પહેલી ખેપ બે વર્ષની અંદર આવશે. ત્યારબાદ ૨થી ૫ વર્ષની અંદર તમામ હેલિકૉપ્ટર ભારતને મળી જશે. આ ઉપરાંત બંને દેશોની વચ્ચે ઇન્ટીગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ ખરીદવા અંગે પણ ચર્ચા થઈ શકે છે. જોકે આ સોદામાં અડચણ આવી શકે છે કારણ કે આ સોદો લગભગ ૯૦૦૦ કરોડનો હશે.
સૂત્રો અનુસાર, સીસીએસએ ૧.૮૬ બિલિયન ડૉલરની અંદાજિત ખર્ચથી અમેરિકા પાસેથી મિસાઇલ રક્ષા પ્રણાલીની ખરીદી અંગે પણ ચર્ચા-વિચારણ કરી. તેઓએ કહ્યું કે સોદાને અંતિમ મંજૂરી આપવાની બાકી છે.
નોંધનીય છે કે અમેરિકાએ ગયા વર્ષે ભારતને સીહૉક હેલિકૉપ્ટર વેચવાની મંજૂરી આપી હતી. તેના કારણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પના આવતાં આ સમજૂતી પર હસ્તાક્ષર થઈ જશે. આ હેલિકૉપ્ટર સી કિંગ હેલિકૉપ્ટરનું સ્થાન લેશે. હિન્દ મહાસાગરમાં ચીનના આક્રમક વ્યવહારના કારણે ભારત માટે આ હેલિકૉપ્ટર આવશ્યક છે. આ રક્ષા સમજૂતી બાદ ભારતની નૌસેનાને વધુ તાકાત મળશે. ભારતને આતંકવાદનો સામનો કરવા માટે વધુ મદદ મળશે.
ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા મોટી ડીલ : નેવી માટે ‘રોમિયો’ ખરીદશે ભારત
Leave a Comment