અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ થવાથી અજાણતામાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે એક રેકૉર્ડ થઈ ગયો છે.પીએમ મોદી હવે વિશ્વમાં ટ્વિટર પર સૌથી વધુ ફૉલો કરવામાં આવનારા નેતા બની ગયા છે.થોડા દિવસો પહેલાં જ આ રેકૉર્ડ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના નામે હતો.જોકે અમેરિકી સંસદમાં પોતાના સમર્થકો દ્વારા હિંસા ભડકાવવાના આરોપમાં માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરે વિશ્વના સૌથી શક્તિશાળી રાષ્ટ્રપતિનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના પર્સનલ અકાઉન્ટ પર ૮૮.૭ મિલ્યન એટલે કે ૮ કરોડ ૮૭ લાખ ફૉલો કરી રહ્યા હતા.વિશ્વના સૌથી એક્ટિવ નેતાઓના લિસ્ટમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બીજા નંબર પર હતા.પીએમ મોદીને ૬૪.૭ મિલ્યન એટલે કે ૬ કરોડ ૪૭ લાખ લોકો ફૉલો કરે છે.
જોકે ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા ૧૨૭.૯ મિલ્યન એટલે કે ૧૨ કરોડ ૭૯ લાખ ફોલોઅર્સ સાથે ટ્વિટર પર વિશ્વમાં સૌથી વધુ ફૉલો કરવામાં આવનાર રાજનેતા છે.જોકે ઓબામા હાલ કોઈ પદ પર નથી,આથી તેમને સક્રિય રાજનેતા ન માની શકાય.બીજી તરફ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડનના ટ્વિટર પર ૨૩.૩ મિલ્યન ફૉલોઅર્સ છે.