અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના 70મા જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી.ટ્રમ્પે કહ્યું કે વડાપ્રધાન મોદી એક મહાન નેતા અને વફાદાર મિત્ર છે.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદી સાથે તેમના નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનો એક ફોટોગ્રાફ પણ શેર કર્યો છે જેમાં અમેરિકાની પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પ પણ દેખાય છે.આ તસવીર ગુજરાતના મોટેરા સ્ટેડિયમની છે જ્યાં આ વર્ષે ટ્રમ્પ અને પીએમ મોદીએ એક સભાને સંબોધિત કરી હતી.
આ વર્ષે ફેબ્રુઆરીમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ જોવા માટે દેશભરમાંથી 125000 લોકો એકઠા થયા હતા. આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે નવો ઇતિહાસ લખાયો છે.પીએમ મોદી અને ટ્રમ્પ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર સાથે મળીને કામ કરી રહ્યા છે.બંને નેતાઓ મોટાભાગે ફોન પર વાત કરતા રહે છે. કોરોના વાયરસ મહામારી દરમ્યાન બંને નેતાઓએ અભૂતપૂર્વ સ્તરે સહકારનું સ્તર વધાર્યું છે.ટ્રમ્પે ભારતને વેન્ટિલેટર મોકલ્યા હતા.
આની પહેલાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, બ્રિટનના વડાપ્રધાન બોરીસ જ્હોનસન અને જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ સહિતના વિશ્વના અન્ય નેતાઓએ ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના 70મા જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી.દરેક લોકોએ પોતાના દેશોની સાથેના ભારતના સંબંધોને વધુ ગાઢ બનાવવામાં તેમના અંગત યોગદાનની પણ પ્રશંસા કરી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950 માં થયો હતો. તેઓ 70 વર્ષના થઇ ગયા છે.
મોદીને લખેલા પત્રમાં પુતિને કહ્યું કે,તમારા 70મા જન્મદિવસ પર મારી શુભેચ્છાઓ. વડાપ્રધાનની પ્રશંસા કરતા પુતિને કહ્યું કે ભારત સરકારના વડા તરીકે મોદીની કામગીરીથી તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠા અને સન્માન મળ્યું છે.પુતિને મોદીને કહ્યું,તમારા નેતૃત્વ હેઠળ ભારત સામાજિક-આર્થિક,વૈજ્ઞાનિક અને તકનીકી વિકાસના માર્ગ પર સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે.