ગાંધી આશ્રમમાં વાઘેલા બાપુએ પત્રકાર પરિષદ યોજીને જવાબ માંગ્યો,સમિતિમાં કોણ છે, ક્યારે બની, સ્ટેડિયમનું ઉદઘાટન થવાનુ નથી તો શેના માટે આવે છે ટ્રમ્પ…?,લોકોના ટેક્સના ૭૦૦ કરોડ વોડફવાનો સમિતિને કોઇ અધિકાર નથી, લોકો એક એક પાઇનો હિસાબ માંગશે
અમદાવાદ,તા.૨૨
ગુજરાતના પૂર્વ સીએમ અને હાલમાં એનસીપીના નેતા શંકરસિંહ વાઘેલાએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ૨૪મીની મુલાકાતને લઇને આજે પત્રકાર પરિષદ યોજીને ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ટ્રમ્પને પણ આડે હાથે લઇને આમંત્રણ આપનાર સમિતિને ચેતવણી આપી હતી કે ટ્રમ્પની મુલાકાત પાછળ લોકોના ટેક્સના પૈસા વેડફવાનો તમને કોઇ અધિકાર નથી. હિસાબ નહીં આપવા ભલે સમિતિનું ગતકડુ બનાવવામાં આવ્યું હોય પણ આ મુલાકાત પાછળ ખર્ચાનાર એક એક પાઇનો હિસાબ ગુજરાતના અને અમદાવાદનો લોકો સમિતિ પાસેથી માંગશે.
આજે ગાંધી આશ્રમ ખાતે પત્રકાર પરિષદ યોજીને તેમણે સીધા સવાલો કર્યા હતા કે, શેનો ઇવેન્ટ શેને માટે તાયફા, ટ્રમ્પને આમંત્રણ કોણે આપ્યું, અમેરિકાને જે રાષ્ટ્રપતિ લોકસાઙીમાં માનતા નથી એવા ટ્રમ્પની ચમચાગીરી શા માટે ભાજપવાળા કરે છે એમ કહીને તેમણે દાવો કર્યો કે બસ હવે બહુ થયું, ઉંટની પીઠ પર આખરી તણખલા સમાન છે. ભાજપનો આ છેલ્લો તાયફો છે.
તેમણે કહ્યું કે લોકશાહી વિરોધી ટ્રમ્પ જુઠ્ઠા છે, એક હજારવાર જુઠુ બોલ્યા છે. અને અહીં ભારતમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના જેવા જ જુઠ્ઠા છે. બન્નેએ સત્યનું ખૂન કર્યું છે. ટ્રમ્પ કહે છે કે મને ભારત ગમતુ નથી તો કેમ આવો છો ભારતમાં એવો સવાલ કરીને કહ્યું કે જે અમેરિકાએ વિઝા નહીં આપીને મોદીનું નાક કાપ્યું એનો પ્રચાર કેમ કરો છો, ટ્રમ્પને જીતાડવા માટેના એટલા જ અભરખા હોય આપણાં વડાપ્રધાનને તો તેઓ રાજીનામુ આપીને તેમના પ્રચાર માટે જઇ શકે છે. તેમની ચમચાગીરી કરી શકે છે પણ અહીં લોકોના પૈસે તાકડધિન્ના કરીને ટ્રમ્પનો પ્રચાર કરવો યોગ્ય નથી. હાઉડી મોદીમાં ટ્રમ્પની સરકારે એક પણ ડોલરનો ખર્ચ કર્યો નહોતો તો અહીં તેમના પ્રચાર માટે ૭૦૦ કરોડનું આંધણ શેના માટે કરવામાં આવે છે તેના જવાબો ભાજપે અને નવી નવી બનેલી સમિતિએ આપવા પડશે. ટ્રમ્પના માર્કેટીંગ માટે ગુજરાતને બેવકૂફ બનાવવાની વાત છે. ગુજરાત સરકાર પર અઢી લાખનો દેવુ છે. અને બીજા માટે આવાા તાયફા શેને માટે કરાય છે એમ પણ તેમણે કહ્યું હતું.
પૂર્વ મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે આ એ જ મોદી છે કે જેમના કાર્યકાળમાં ગુજરાતમાં ગોધરાનો ડબ્બો સળગ્યો અને ગુજરાત સળગ્યું હતુ. હવે તેમના કાર્યકાળમાં પુલવામામાં જવાનોને મારી નાંખવામાં આવ્યાં હતા.તેની જવાબદારી કોની..? બાલાકોટ એર સર્જીકલ સ્ટ્રાઇક અંગે તેમણે એવો દાવો કર્યો કે મોદીએ પાકિસ્તાનને અગાઉથી જાણ કરીને સ્ટ્રાઇકનું નાટક કર્યું હતું. બાલાકોટમાં કોઇ મર્યા નથી. પાકિસ્તાને બધુ ત્યાંથી ખસેડી લીધુ હતું.
ટ્રમ્પ પાછળ કરોડોનો ખર્ચ : કોના બાપની દિવાળી…? સમિતિએ હિસાબ આપવો પડશે
Leave a Comment