રૉન્ગ સાઇડમાં કાર ચલાવી રહેલા આરોપીને રોકવાનો પ્રયાસ કરતા ટ્રાફિક પોલીસને કારના બૉનેટ પર ખેંચી જવાની ઘટનાનો વિડિયો શનિવારે વાઇરલ થયો હતો નવી મુંબઈના ખારઘરમાં વિરુદ્ધ દિશામાં કાર ચલાવીને ટ્રાફિક પોલીસને ૬૦૦ મીટર સુધી કારના બૉનેટ પર ખેંચી જવાની ઘટનામાં પોલીસે કારચાલક સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળ્યું હતું.રૉન્ગ સાઇડમાં કાર ચલાવી રહેલા આરોપીને રોકવાનો પ્રયાસ કરતા ટ્રાફિક પોલીસને કારના બૉનેટ પર ખેંચી જવાની ઘટનાનો વિડિયો શનિવારે વાઇરલ થયો હતો.શનિવાર સવારની ઘટનામાં નવી મુંબઈ પોલીસની ખારઘર પોલીસે ટ્રાફિક પોલીસ કૉન્સ્ટેબલ નામદેવ ગડેકરનો જીવ જોખમમાં મુકાય એ રીતે કાર ચલાવવા બદલ કારચાલક આરોપી આકાશ જાંગિડ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ખારઘર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે‘આરોપી આકાશ જાંગિડે ટ્રાફિકના નિયમનો ભંગ કરવાની સાથે ફરજ બજાવી રહેલા કૉન્સ્ટેબલે તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે કૉન્સ્ટેબલ બૉનેટ પર હોવા છતાં કાર દોડાવી મૂકી હતી.આ ઘટનામાં કૉન્સ્ટેબલ કારની નીચે આવી જાત તો તેના જાનનું જોખમ ઊભું થયું હોત.આથી અમે આરોપી સામે ટ્રાફિકના નિયમોના ભંગની સાથે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો.’
ઉલ્લેખનીય છે કે શનિવારે સવારના ખારઘરના ટ્રાફિક પોલીસ કૉન્સ્ટેબલ નામદેવ ગાડેકર કોપરા બ્રિજ પર રાબેતા મુજબ ફરજ પર હતો ત્યારે તે રૉન્ગ સાઇડમાં આવતાં વાહનો સામે કાર્યવાહી કરી રહ્યો હતો. એ સમયે સામેથી આવી રહેલી એક હ્યુન્દાઇ કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો.જોકે ડ્રાઇવર આકાશ જાંગિડે કાર્યવાહીના ડરથી કાર રોકી નહોતી અને નામદેવને કોપરા બ્રિજથી ખારઘરની સ્વર્ણગંગા જ્વેલરી શૉપ સુધી ડી-માર્ટના માર્ગ પર કારના બૉનેટ પર ચડાવીને ખેંચી ગયો હતો.