ભાવનગર : ભાવનગર મંડળની ટ્રેનોમાં ખુદાબક્ષ મુસાફરોની સવારી વધી ગઈ છે.આવા મુસાફરોને પકડી પાડવા રેલવેએ ખાસ ટિકિટ ચેકીંગ ઝુંબેશ હાથ ધરી એપ્રિલ માસ દરમિયાન રેકોર્ડબ્રેક ૮૬.૫૪ લાખનો દંડ વસૂલ્યો હતો.પાછલા મહિના દરમિયાન ટિકિટ ચેકીંગ સ્ટાફે ટ્રેનોમાં ચેકીંગ કરતા ૧૧,૯૧૨ મુસાફરો ઝપટે ચડયાં હતા.ટ્રેનોમાં નિયમ વિરૂધ્ધ-વિના ટિકિટ મુસાફરી કરતા લોકો સામે કાર્યવાહી કરવા માટે ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા ટિકિટ ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.જે અંતર્ગત ગત એપ્રિલ માસ દરમિયાન ટિકિટ ચેકીંગ સ્ટાફે અલગ-અલગ ટ્રેનોમાં મુસાફરો પાસે ટિકિટ ચેક કરતા કુલ ૧૧,૯૧૨ મુસાફરો નિયમ વિરૂધ્ધ-ટિકિટ લીધા વિના ટ્રેનોમાં યાત્રા કરતા મળી આવ્યા હતા.જેમની પાસેથી રેલવે તંત્રએ રૂા.૮૬,૫૪,૨૮૫ની દંડ પેટે રકમ વસૂલી હતી.ઉલ્લેખનિય છે કે, માર્ચ માસમાં ભાવનગર રેલવે દ્વારા ૯,૪૬૨ ખુદાબક્ષ મુસાફરો પાસેથી રૂા.૬૧.૩૯ લાખ વસૂલવામાં આવ્યા હતા.તેની સામે એપ્રિલમાં આંકડો ૮૬.૫૪ લાખને પાર પહોંચી જતાં એક જ માસમાં ટિકિટ ચેકીંગની આવકના સંદર્ભમાં અત્યાર સુધીની સૌથી વધુ વસૂલાત છે.તમામ મુખ્ય ટિકિટ નિરક્ષકો અને અન્ય ટિકિટ ચેકીંગ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન ઝુંબેશના કારણે રેલવેની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.ભાવનગર ડીઆરએમ તમામ કર્મચારી-અધિકારીઓને તેમની કામગીરી બદલ બિરદાવ્યા હતા.