ન્યૂયોર્ક : વિશ્વના અબજોપતિ ઈલોન મસ્કે શુક્રવારે બે આંચકાજનક નિર્ણયોની જાહેરાત કરીને રોકાણકારોને સ્તબ્ધ કરી દીધા હતા.મસ્કે એક ટ્વીટ કરીને ટ્વિટરનો ૪૪ અબજ ડોલરનો સોદો હાલ અટક્યો હોવાની જાહેરાત કરી હતી.બીજીબાજુ તેમણે આયાતી કરમાં છૂટછાટ મુદ્દે કેન્દ્ર સરકાર સાથે ટસલ પછી ભારતમાં ટેસ્લાની ઈલેક્ટ્રિક કાર વેચાવની યોજના પણ અભેરાઈ પર ચઢાવી દીધી હોવાની જાહેરાત કરી હતી.
વિશ્વજગતના સૌથી મોટા ટેક્નોલોજી સોદા ટ્વિટર-મસ્ક ડીલ ખોરંભે ચઢી છે.ટ્વિટરના સ્પામ અને ફેક એકાઉન્ટની અપૂરતી માહિતીને કારણે આ સોદો કાર્યકારી ધોરણે અટકાવવામાં આવ્યો હોવાનું જણાયું છે.ઈલોન મસ્કે પોતે ટ્વીટ કરીને આ જાહેરાત કરી હતી.૪૪ અબજ ડોલરમાં ટ્વિટર ખરીદવાની ઓફર કરનાર મસ્કે કહ્યું કે ટ્વિટરના કુલ ૨૨.૯ કરોડ યુઝર્સમાં કેટલાક નકલી, સ્પામ એકાઉન્ટ અંગે ચોક્કસ માહિતી મળે નહિ ત્યાં સુધી આ સોદો હાલ મુલતવી રાખવામાં આવ્યો છે.ટ્વિટરના સત્તાવાર નિવેદન અનુસાર તેમના કુલ યુઝર્સમાં માત્ર પાંચ ટકા એકાઉન્ટ જ નકલી અથવા સ્પામ છે.
૪૪ અબજ ડોલરમાં ટ્વિટરને ખરીદીને પ્રાઈવેટ કરવાની જાહેરાત કરનાર એલોન મસ્કે અગાઉ એક નિવેદનમાં જણાવ્યું હતુ કે મારી સૌથી મોટી જરૂરિયાત ટ્વિટરના નકલી એકાઉન્ટને બંધ કરવાની છે અને સ્પામ બોટ્સને પ્લેટફોર્મ પરથી દૂર કરવાની છે.એલોન મસ્કે ૪૪ અબજ ડોલરના સોદાને અભરાઈએ ચઢાવતા ટ્વિટરના શેરમાં મસમોટો કડાકો નોંધાયો છે.ટ્વિટરનો શેર પ્રી-માર્કેટ સેશનમાં ૨૪%ના કડાકા સાથે ૩૪.૪૯ ડોલરના લેવલે કામકાજ કરી રહ્યો છે. બીજીબાજુ ટેસ્લાના શૅરમાં પાંચ ટકાનો ઊછાળો જોવા મળ્યો હતો.જોકે, આ જાહેરાત પછી મસ્કે થોડાક સમય પછી વધુ એક ટ્વીટ કરીને કહ્યું કે, હજુ પણ અમે ટ્વિટરનું અધિગ્રહણ કરવા માટે કટિબદ્ધ છીએ.દરમિયાન ગઈકાલે જ ફોર્ડે ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોનો પ્લાન્ટ નાખવાની યોજના પડતી મૂકવાની જાહેરાત કરી હતી, એવામાં ઈલોન મસ્કની ટેસ્લાએ પણ ભારતમાં તેની ઈલેક્ટ્રિક કાર વેચવાની યોજના હાલ પડતી મૂકી હોવાની જાહેરાત કરી હતી.આ સાથે ટેસ્લાએ ભારતમાં શો-રૂમ્સ શોધવાની કામગીરી પણ અટકાવી દીધી છે.
ટેસ્લાની ભારતમાં ઈલેક્ટ્રિક કારના ઉત્પાદન પહેલાં અમેરિકા અને ચીનમાંથી આયાત થનારી ઈલેક્ટ્રિક કાર માટે આયાત જકાતમાં રાહત આપવાની માગણી ભારત સરકારે નકારી કાઢી હતી.ભારત સરકારે સ્પષ્ટ જણાવ્યું હતું કે, ટેસ્લા પહેલાં ભારતમાં ઈલેક્ટ્રિક કારનું ઉત્પાદન શરૂ કરે, ત્યાર પછી સરકાર કર ઘટાડવા અંગે વિચારશે.ટેસ્લા-કેન્દ્ર સરકાર વચ્ચે આયાત જકાત મુદ્દેની આ ટસલને પગલે અંતે ટેસ્લાએ ભારતમાં તેની ઈલેક્ટ્રિક કારના વેચાણની યોજના હાલ પડતી મૂકી છે.ભારતમાં શોરૂમ્સ તથા સર્વિસ સેન્ટર ખોલવા ટેસ્લાએ ખાસ ટીમને કામે લગાડી હતી પરંતુ હવે આ કામગીરી પણ હાલમાં અટકાવી દેવાઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.


