- રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં શિયાળાની મોસમ પુરબહારમાં ખીલી હોય તે પ્રકારે ઠંડીનું આક્રમણ વધી રહ્યું છે. જેના પગલે લોકો પણ કાતિલ ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યાં છે.તો બીજી તરફ રાજ્યના પાટનગરમાં પણ ઠંડીએ રોદ્ર સ્વરૃપ ધારણ કર્યું હોય તે પ્રકારે તાપમાનના પારામાં ઘટાડો નોંધાઇ રહ્યો છે.ત્યારે રવિવારે લઘુત્તમ તાપમાન ૧૨.૭ ડિગ્રીએ પહોંચ્યું હતું પરંતુ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાતાં ઠંડી વધુ આક્રમક બની હતી અને સોમવારે અચાનક જ ઠંડીના પારામાં ઘટાડો નોંધાતાં તાપમાનનો પારો ૪.૩ ડિગ્રીએ આવીને અટક્યો હતો.જેના પગલે સમગ્ર રાજયનું સૌથી ઠંડુ શહેર પાટનગર બન્યું હતું.આ ઠંડીને અસર જનજીવન ઉપર પણ જોવા મળી હતી તો નગરજનો પણ ઠંડીમાં રક્ષણ મળી શકે તે માટે ઘરમાં જ રહેવાનું મુનાસીફ માન્યુ હતું.પરંતુ શ્રમજીવીઓની હાલત કફોડી બની હતી.ત્યારે પાટનગરવાસીઓને અત્યાર સુધીની સીઝનની સૌથી વધુ ઠંડીનો સામનો કરવો પડયો હતો.
ઉત્તરભારતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસથી ફરીથી હિમવર્ષા ચાલુ થઈ છે.જેના પગલે ઘણી જગ્યાએ તાપમાનનો પારો માઇનસ ડિગ્રીમાં પહોંચી ગયો છે.ત્યારે હિમવર્ષાના પગલે શીત લહેરોની અસર ગુજરાત રાજ્ય ઉપર પણ જોવા મળી રહી છે.આમ અચાનક જ સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો પુનઃ શરૃ થતાં આ ઠંડા પવનોની અસર પાટનગર ઉપર પણ જોવા મળી હતી.તો બીજી તરફ હિમવર્ષાના પગલે શીતલહેરો ચાલુ રહેતાં તેની અસર હજુ પણ તાપમાન ઉપર જોવા મળી રહી છે.ત્રણ-ચાર દિવસથી સતત લઘુત્તમ તાપમાનના પારામાં વધઘટ નોંધાઇ રહી છે.ત્યારે જાન્યુઆરી માસના અંતિમ દિવસોમાં ઠંડી આક્રમક બની હોય તેમ લઘુત્તમ તાપમાનના પારામાં ઘટાડો નોંધાતાં રવિવારે ૧૨.૭ ડિગ્રીએ આવીને અટક્યો હતો.તો બીજી તરફ મહત્તમ તાપમાન ૨૨.૮ ડિગ્રીએ પહોંચ્યું હતું.ત્યારે સોમવારે ઠંડીએ પણ રોદ્રસ્વરૃપ ધારણ કર્યું હોય તેમ તાપમાનના પારામાં આઠ ડીગ્રીનો ઘટાડો નોંધાતાં નગરજનો પણ આ કાતિલ ઠંડીમાં થરથરી રહ્યાં છે.આમ મહત્તમ અને લઘુત્તમ તાપમાનના પારામાં ઘટાડો નોંધાતા તેની અસર સમગ્ર દિવસ દરમિયાન અનુભવવા મળી હતી.