ચંદીગઢ : કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ પંજાબના પોલીસ વડા અને એડવોકેટ જનરલને દૂર કરવાની ફરી ભારપૂર્વક માગણી કરી હતી.સિદ્ધુએ જણાવ્યું હતું કે જો આવું નહીં થાય તો આપણે સહન કરવું પડશે.સિદ્ધુની આ માગણી દર્શાવે છે કે તેઓ પંજાબ સરકારમાં કેટલીક નિમણુકો અંગે હજુ નારાજ છે અને પંજાબ કોંગ્રેસની કટોકટીનો ઉકેલ આવ્યો નથી.તેમણે ટ્વીટ કરીને કોંગ્રેસની ચરણજિત સિંહ ચન્ની સરકારને પોલીસ મહાનિર્દેશક અને રાજ્યના એડવોકેટ જનરલને બદલવાનું દબાણ કર્યું હતું. સિદ્ધુની આ માગણી પછી રાજ્યના મુખ્યપ્રધાન ચરણજિત સિંહ ચન્નીએ યાદ અપાવ્યું હતું કે 10 પોલીસ ઓફિસર્સના નામ કેન્દ્રમાં મોકલવામાં આવ્યા છે.કેન્દ્ર સરકાર પાસેથી ત્રણ નામ આવી ગયા બાદ સિદ્ધુ,પ્રધાનો અને ધારાસભ્યો સાથે વિચારવિમર્શ બાદ રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP)ની નિમણુક કરવામાં આવશે.
સિદ્ધુએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ધાર્મિક સ્થળના અપમાન કેસમાં ન્યાય તથા ડ્રગના કારોબારના મુખ્ય ગુનેગારોને જેલમાં મોકલવાના વચન સાથે 2017માં આપણી સરકાર બની હતી અને તેમાં નિષ્ફળતાને કારણે લોકોએ અગાઉના સીએમને દૂર કર્યા છે.હવે AG/DGની નિમણુકથી પીડિતોના ઘા પર મીઠું ભભરાવામાં આવ્યું છે.આ લોકોને બદલવા પડશે અથવા આપણે નુકસાન સહન કરવું પડશે.સિદ્ધુ અને મુખ્યપ્રધાન ચન્ની વચ્ચે ત્રણ દિવસ પહેલા બેઠક યોજાઈ હતી.


