વલસાડ, 30 મે : ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતેનાં દંડકેશ્વર મહાદેવ મંદિરનાં સભ્યો દ્વારા આહવા નગરનાં આશરે 2500થી વધારે પરિવારોને ડોર ટુ ડોર કીટનું વિતરણ કરવામાં આવી હતી.હાલમાં વૈશ્વિક મહામારી એવા કોરોનાના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન અમલમાં છે.ત્યારે આ વિકટ પરિસ્થિતિમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોને વ્હારે આવી છે.સરકાર દ્વારા પણ જરૂરિયાત મંદ લોકો સુધી અનાજની કીટો પહોંચાડવામાં આવી છે.કોવિડ 19ની અસરનાં કારણે લોકડાઉનમાં કેટલાય ધંધાઓ ઠપ થઇ જવા પામ્યા છે.સાથે જ રોજનું કમાઇ ખાનારા લોકો ઉપર ભારે મુસીબત આવી પડી છે.
જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતેનાં દંડકેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આજે આહવા નગરનાં આશરે 2500 જેટલા પરિવારોને ડોર ટુ ડોર જઇ કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.દરેક પરિવારોમાં ગૃહિણીઓ માટે ઘર ઉપયોગી વસ્તુઓ તેમજ બાળકો માટે ફરસાણ,બિસ્કીટ્સ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતુ.સાથે જ આરોગ્ય સેતુની એપ વિશે લોકો જાણકારી પ્રાપ્ત કરે તે માટે આરોગ્ય સેતુ એપ વિશેના પેમ્પલેટ્સ પણ ઘરે ઘરે લોકોને આપીને કોવિડ 19 વિશે જાણકારી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.દંડકેશ્વર મહાદેવ મંદિર આહવાનાં સભ્યો હરીરામભાઇ સાવંત,સ્નેહલભાઇ ઠાકરે તેમજ અન્ય આગેવાનોએ સોશિયલ ડિસ્ટન્સીગનું પાલન,સેનિટાઇઝેસન,તેમજ માસ્ક પહેરીને સરકારના નિયમોનું પાલન કરી કીટ વિતરણો કરી હતી.