ડાંગ : ડાંગના કૉંગ્રેસ પક્ષનાં ભામાસા અને કદાવર નેતા તરીકે ગણના પામનાર માજી બાંધકામ અધ્યક્ષ ચંદરભાઈ ગાવિતે કોંગ્રેસનો હાથ છોડી ભાજપાનો કેસરીયો ધારણ કરી લેતા ડાંગના રાજકારણમાં હડકંપ મચી ગયો છે.કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાની ઉપસ્થિતમાં ચંદર ગાવિત સહીત પૂર્વપટ્ટીનાં નિલેશભાઈ બાગુલ, બાબુભાઇ બાગુલ તથા કોંગ્રેસનાં 25થી વધુ કદાવર આગેવાનો અને 100થી વધુ કાર્યકર્તાઓએ ભાજપનો કેસરીયો ધારણ કરી લેતા ડાંગ કોંગ્રેસમાં હલચલ મચી ગઈ છે.
આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે.ત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ડાંગ જિલ્લાનાં કૉંગ્રેસ પક્ષમાંથી એક પછી એક એમ કદાવર નેતાઓ કોંગ્રેસનો છોડી ભાજપનો કેસરીયો ધારણ કરી લેતા ડાંગના રાજકારણમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે.શનિવારે કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા,ડાંગ પ્રભારી અશોકભાઈ ધોરાજીયા,ધારાસભ્ય વિજયભાઈ પટેલ,પાર્ટી પ્રમુખ દશરથભાઈ પવાર,પ્રભારી કરસનભાઈ પટેલ સહિતનાની ઉપસ્થિતમાં ડાંગ કોંગ્રેસના કદાવર નેતા અને માજી બાંધકામ અધ્યક્ષ ચંદરભાઈ ગાવિતે ભાજપનો કેસરીયો ધારણ કરતા ડાંગ કોંગ્રેસમાં સોપો પડી ગયો હતો.
ડાંગ કોંગ્રેસમાંથી મંગળભાઈ ગાવિત બાદ ચંદર ગાવિત,બાબુ બાગુલ,નિલેશભાઈ બાગુલ સહિતના નેતાઓએ હાલમાં ભાજપની કંઠી ધારણ કરી લેતા ડાંગ કોંગ્રેસની સ્થિતિ કફોડી બની છે.આ પ્રસંગે કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સંગઠનની બેઠકમાં વિકાસને લઈને ડાંગના કોંગ્રેસી પીઢ નેતાઓએ કોંગ્રેસને રામરામ કરી ભાજપામાં પ્રવેશ મેળવ્યો છે.જે તમામ આગેવાનોને ભાજપા પરિવાર વતી આવકાર આપું છું.
અંગત સ્વાર્થ માટે ભાજપમાં જોડાયા છે
હાલમાં જે પણ કોંગ્રેસી આગેવાનો ભાજપામાં જોડાયા છે.આ તમામ આગેવાનોનાં સ્ટંટ વિધાનસભાની પેટાચૂંટણીમાં અમોને ખબર હતા અને આ તમામ આગેવાનો પોતાના અંગત સ્વાર્થ માટે ભાજપામાં જોડાયા છે.હવે પછી આવા નેતાઓને ડાંગ કોંગ્રેસ પાર્ટીમાં કોઈ સ્થાન નથી.આ તમામ બાગી નેતાઓની જાણ મેં પ્રદેશમાં કરી દીધી છે. > મોતીલાલ ચૌધરી, પ્રમુખ, ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ


