ડાંગ : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયત હસ્તક ના ટાંકલીપાડા ગ્રુપ ગ્રામ પંચાયતનાં સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત સોમવારે બહુમતીથી પસાર થઈ જતા સરપંચની ખુરશી છીનવાતા રાજકીય માહોલ ગરમાયો છે.સરપંચની ખુરશી આખરે 6 ચૂંટાયેલા સભ્યોએ છીનવી લીધી હતી.
ડાંગનાં આહવા તાલુકા પંચાયત હસ્તક ના ટાંકલીપાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચપદે ચમારભાઈ કાળુભાઈ ભોયે ચૂંટાયા હતા.સરપંચ દ્વારા ગ્રુપ ગ્રામ પંચાયતનાં વિકાસકીય કામો એસ્ટીમેન્ટ કે સ્થળ ચકાસણી વગર તથા અમુક કામોનું બહુમતીથી બજેટ પાસ થયું ન હોવા છતાં મનસ્વીપણે કામો કરી રહ્યા હતા તેમજ ગ્રુપ ગ્રા.પં.ના હસ્તકના ગામોમાં સભ્યોને વિશ્વાસમાં લીધા વગર બોગસ કામો કરતા ટાંકલીપાડા ગ્રુપ ગ્રા.પં.નાં ચૂંટાયેલા કુલ 8 સભ્યમાંથી 6 સભ્યે સરપંચ ચમારભાઈ ભોયે વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની અરજી તલાટીકમ મંત્રી સહિત આયોજન તાલુકા વિકાસ અધિકારીને આપી હતી.અવિશ્વાસ પ્રસ્તાવ અરજી સંદર્ભે બહુમતી પુરવાર કરવા સોમવારે ટાંકલીપાડા ગ્રુપ ગ્રા.પં.માં તલાટીકમ મંત્રીનાં અધ્યક્ષતામાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બેઠક યોજાઈ હતી.બેઠકમાં ચૂંટાયેલા 8માંથી 6 સભ્યએ સરપંચ ચમારભાઈ વિરુદ્ધ હાથ ઊંચો કરી બહુમતિ પસાર કરી હતી.


