અમદાવાદ, : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ સાયન્સ અને ગુજકેટનું આવતીકાલે પરિણામ જાહેર થનાર છે ત્યારે આ વર્ષે પરિણામ પહેલા જ ડિગ્રી ઈજનેરીની ૫૦ ટકા બેઠકો ખાલી રહે તેવી સ્થિતિ છે.જો ૧૨ સાયન્સનું પરિણામ ૮૦ ટકા જાહેર થયા તો પણ ઈજનેરીની ૬૫ હજારથી વધુ બેઠકો સામે માંડ ૫૦ ટકાથી વધુ બેઠકો ખાલી રહે તેવી સ્થિતિ છે.આ વર્ષે ૧૨ સાયન્સ અને ગુજકેટમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ ઘટી છે અને બીજી બાજુ બેઠકો ઘણી વધી છે.
ડિગ્રી ઈજનેરીમાં હાલ સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી કોલેજોની મળીને ૬૪ હજારથી વધુ બેઠકો છે.જેમાં આ વર્ષે સરકારી કોલેજોની ૬૦૦થી૭૦૦ જેટલી બેઠકો વધવાની છે.આ ઉપરાંત એઆઈસીટીઈ દ્વારા ઘણી ખાનગી કોલેજોને પણ નવી બ્રાંચોમાં બેઠકો વધારવાની મંજૂરી મળે તેમ છે.જેથી ૬૫ હજારથી વધુ બેઠકો આ વર્ષે ઉપલબ્ધ થશે.ડિગ્રી ઈજનેરીમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં પાંચ ટકા બેઠકો પર જેઈઈ મેઈનના આધારે પ્રવેશ મળે છે જ્યારે ૯૫ ટકા બેઠકો પર ગુજકેટના આધારે પ્રવેશ અપાય છે.ટોપ ખાનગી કોલેજો-યુનિ.ઓની ૫૦ ટકા બેઠકો જેઈઈ મેઈનના આધારે ભરાય છે.જનરલ અને મેનેજમેન્ટ ક્વોટા સહિતની કુલ મળીને ૬૫ હજારથી વધુ બેઠકો છે જ્યારે એસીપીસીએ ભરવાની થતી ૫૦ હજાર જેટલી બેઠકો છે.
આ વર્ષે ૧૨ સાયન્સમાં એ ગુ્રપમાં રેગ્યુલર ૩૩૫૩૩ અને રીપિટર ૩૨૫૩ સહિત ૩૬૭૮૬ વિદ્યાર્થીઓ જ છે અને ગુજકેટમાં ગુજરાત બોર્ડ,સીબીએસઈ સહિતના તમામ બોર્ડના મળીને એ ગુ્રપના માત્ર ૩૯૭૬૦ (હાજર ૩૮૪૫૨)વિદ્યાર્થીઓ છે.બોર્ડનું ૮૦ ટકા રીઝલ્ટ જાહેર થાય તો પણ ૫૦ ટકાથી વધુ બેઠકો ખાલી રહે તેવી સ્થિતિ છે.એક્સપર્ટસના મતે આ વર્ષે કુલ મળીને ડિગ્રી ઈજનેરીમાં માંડ ૩૦ હજાર પ્રવેશ થાય તેમ છે અને ૩૫ હજારથી વધુ બેઠકો ખાલી રહે તેમ છે.ગત વર્ષે પણ ૩૦ હજારથી વધુ બેઠકો ખાલી રહી હતી.ડિગ્રી ઈજનેરીમાં ગુજરાતની એસીપીસી પ્રવેશ હેઠળની કોલેજોમાં ગુજકેટ પર્સેન્ટાઈલના ૫૦ ટકા અને બોર્ડ પરિણામમાં ફીઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સના પર્સેન્ટાઈલના ૫૦ ટકાના આધારે પ્રવેશ અપાય છે.બોર્ડના પરિણામમાં જનરલ કેટેગરીમાં વિદ્યાર્થીને થીયરી માર્કસમાં ૪૫ ટકા હોવા જરૃરી છે.આ વર્ષે પરિણામ ઊંચુ રહેવાની શક્યતા છે.કારણકે પેપરો સહેલા રહેતા અને કોરોનાને લીધે ઓફલાઈન સ્કૂલો ઓછી ચાલતા આ બાબતોને ધ્યાને રાખી પરિણામ ઊંચુ આવી શકે છે અને જેથી ઈજનેરીમાં મેરિટ ઊંચુ જઈ શકે તેમ છે.


