લખનૌ : તા.26 મે 2022,ગુરૂવાર : ઉત્તર પ્રદેશની 11 રાજ્યસભાની સીટો માટે થઈ રહેલી ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ પોતાના વધુ એક ઉમેદવારનું એલાન કર્યું છે.શરૂઆતમાં સમાચાર હતા કે,ડિમ્પલ યાદવ રાજ્યસભા જઈ શકે છે પરંતુ હવે રાષ્ટ્રીય લોકદળ(આરએલડી)ના અધ્યક્ષ જયંત ચૌધરીને રાજ્યસભાની ટિકીટ આપી છે.જયંત ચૌધરી સપા-આરએલડીના સંયુક્ત ઉમેદવાર હશે.સમાજવાદી પાર્ટીએ ગુરૂવારે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરીને જણાવ્યું કે,જયંત ચૌધરી સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળથી રાજ્યસભાના સંયુક્ત ઉમેદવાર હશે.આ અગાઉ સપાએ સપાનો મુસ્લિમ ચહેરો જાવેદ અલી અને દેશના જાણીતા વકીલ કપિલ સિબ્બલને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા.સિબ્બલે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે.સપા તેમને સમર્થન આપી રહી છે.
કાલ સુધી ડિમ્પલ યાદવની ચર્ચા હતી પરંતુ કપિલ સિબલ અપક્ષ ઉમેદવાર બન્યા બાદ આરએલડીમાં ગૂસપૂસ થઈ ગઈ હતી કે,જયંત ચૌધરીને એકવાર ફરીથી દગો મળ્યો છે.ડિમ્પલ યાદવ ગુરુવારે ઉમેદવારી નોંધાવે એવી વાતો પણ વહેતી થઈ હતી.આ બધા વચ્ચે સમાજવાદી પાર્ટીએ મોટો નિર્ણય લીધો અને અટકળો પર પૂર્ણ વિરામ મૂક્યો છે અને જયંત ચૌધરીને આરએલડી અને સમાજવાદી પાર્ટીના ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર બનાવવાનું એલાન કર્યું છે.હવે સ્પષ્ટ થઈ ગયું છે કે,ડિમ્પલ યાદવ રાજ્યસભામાં નહીં જશે.હવે એ ચર્ચા ચાલી રહી છે કે,ડિમ્પલ યાદવ આઝમગઢ઼ લોકસભા સીટથી પેટાચૂંટણી લડશે.યુપી વિધાનસભામાં કુલ 403 બેઠકો છે જેમાંથી બે સીટ ખાલી છે.હાલ 401 ધારાસભ્યો હોવાથી એક સીટ માટે 36 ધારાસભ્યોના વોટ જોઈએ છે.ભાજપ ગઠબંધન પાસે 273 ધારાસભ્યો છે આથી તેમને 7 બેઠકો જીતવા માટે મુશ્કેલી નહીં પડે.સપાના 125 સભ્યો છે એટલે 3 સીટ માટે મુશ્કેલી નહીં પડે પરંતુ એક બેઠક માટે BJP-SP વચ્ચે રમખાણ થશે.11 બેઠકો માટે 24મી મેથી નામાંકન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.