મુંબઈ, તા.૧૨ : વિશ્વની હાઈપ્રોફાઈલ લીગ આઇપીએલમાં થઈ રહેલા ટેક્નોલોજી અંગે વધુ એક પ્રશ્નાર્થ સર્જાયો છે.રોહિત શર્મા કોલકાતા સામેની મેચમાં ટેક્નોલોજીના વિવાદિત નિર્ણયનો શિકાર બન્યો હતો.જ્યારે મુંબઈ સામેની મેચમાં ચેન્નાઈનો ઈન ફોર્મ ઓપનર કોન્વે ટેક્નીકલ કારણોસર તેને આઉટ જાહેર કરવાના મેદાન પરના અમ્પાયરના નિર્ણયની સામે રીવ્યૂ લઈ શક્યો નહતો અને હતાશા સાથે પરત ફર્યો હતો.
કોન્વેએ છેલ્લી ત્રણ મેચમાં અડધી સદીઓ ફટકારી હતી અને તે મુંબઈ સામેની મેચમાં આઇપીએલની સતત ચોથી અડધી સદી ફટકારવાના ઈરાદા સાથે ઉતર્યો હતો.જોકે સેમ્સે નાંખેલો બોલ તેના પેડ સાથે અથડાયો હતો અને મેદાન પરના અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો હતો.કોન્વેએ તરત અમ્પાયરના નિર્ણયની સામે રિવ્યૂ લેવાની માગણી કરી હતી.જોકે તેને કહેવામાં આવ્યું હતુ કે વાનખેડે સ્ટેડિયમમાં કેટલીક તકનીકી સમસ્યા હોવાથી ડીઆરએસ ઉપલબ્ધ નથી.જેના કારણે તે અમ્પાયરના નિર્ણયને પડકારી નહીં શકે.
હતાશા સાથે કોન્વેએ ધીમા પગલે ચાલતી પકડી હતી.નોનસ્ટ્રાઈકર બેટ્સમેન ગાયકવાડે અને મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ અમ્પાયરની સાથે વાતચીત કરી હતી, પણ તેનાથી કોઈ ફરક પડયો નહતો.રિપ્લે દર્શાવતા હતા કે, બોલ સંભવતઃ લેગ સ્ટમ્પની બહારની તરફ જઈ રહ્યો હતો.જો ડીઆરએસ ટેક્નોલોજી ઉપલબ્ધ હોત તો કોન્વેને જીવતદાન મળી શક્યુું હોત.