મુંબઇ તા.4 : દેશના વ્યાપારી પાટનગર મુંબઇમાં ધનવાન અને સેલીબ્રીટીઓ દ્વારા મોંઘી મિલ્કતો ખરીદવાનો નવો ક્રેઝ શરૂ થયો છે અને ખાસ કરીને મહારાષ્ટ્ર સરકારે એપ્રિલ મહિના સુધી જે રીતે રજીસ્ટ્રેશન ફીમાં 50 ટકાની રાહત આપી હતી.તેના કારણે કરોડોની મિલ્કતના સોદામાં લાખો રૂપિયાની સ્ટેમ્પ ડયુટી બચતી હોય તેનો લાભ ઉઠાવીને એક તરફ અમિતાભ અને અજય દેવગન સહિતના સિતારાઓએ મોંઘી મિલ્કતો ખરીદી છે તો દેશમાં ડી-માર્ટથી મશહુર થયેલા ગુજ્જુ બિઝનેસમેન રાધાક્રિશન દામાણીએ પણ રિયલ એસ્ટેટમાં હાલ જે મંદી છે તેનો લાભ ઉઠાવીને રૂા.400 કરોડની મિલકતો હાલના સમયમાં ખરીદી છે.ડી-માર્ટ હાલ 11 રાજયો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં પોતાના રિટેઇલ સ્ટોર ધરાવે છે.જેમાં કંપનીએ મુંબઇ,હૈદરાબાદ,પુને અને બેંગ્લોરમાં અલગ-અલગ મિલ્કતો ખરીદી છે.છેલ્લા 6 થી 9 માસમાં ડી-માર્ટ દ્વારા તેની પેટા કંપનીઓ મારફત આ ખરીદી થઇ છે.જેમાં હૈદરાબાદના નીઝામપેટમાં 41760 સ્કવેરમીટરનો પ્લોટ 34.3 કરોડમાં ખરીદ્યો છે.જયારે બેંગ્લોરમાં શ્રીનીવાગીલુમાં રૂા.30 કરોડના ખર્ચે 36697 સ્કવેર મીટરની જગ્યા ખરીદી છે.મુંબઇમાં ભાંડુપમાં કંપનીએ 66981 સ્કવેર મીટરનો પ્લોટ રૂા.81 કરોડનો ખરીદ્યો છે.
બીજી તરફ દામાણીના ભાઇ ગોપીકિશન દામાણીએ મુંબઇના પોશ મલબાર હીલમાં રૂા.1001 કરોડનો ભવ્ય બંગલો ખરીદ્યો છે.મહારાષ્ટ્ર સરકારે હાલમાં જ સ્ટેમ્પ ડયુટીમાં 50 ટકાની રાહત આપી હતી.તેને કારણે આ મિલકતોના સોદામાં લાખો રૂપિયાની સ્ટેમ્પ ડયુટીનો ફાયદો થયો હતો અને તેનો લાભ ઉઠાવાયો હતો.

