ટેક્નોલોજી કોર્ટના કામમાં સ્પીડ લાવશે, આજના સમયમાં બિન પ્રાસંગિક બનેલા ૧૫૦૦ કાયદા રદ્દ કર્યા,ગાંધીજી કહેતા હતા કે, કેસ મળે કે નહીં, કમિશન નહીં આપું
ન્યુ દિલ્હી,તા.૨૨
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે આંતરરાષ્ટ્રીય ન્યાયિક સંમેલન (આઈજેસી)માં સામેલ થયા હતા. મોદીએ કહ્યું કે, દેશ મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતી મનાવી રહ્યો છે. જ્યારે તેમણે તેમના જીવનનો પહેલો કેસ લડયો ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે, તેમને આ માટે કમિશન આપવું પડશે. ત્યારે તેમણે કહ્યું હતું કે, કેસ મળે કે ન મળે, હું કમિશન નહીં આપું. ભારતીય સમાજમાં રુલ ઓફ લૉ સામાજિક સંસ્કાર છે. ગાંધીજીને આ સંસ્કાર પરિવારમાંથી મળ્યા છે.
મોદીએ એવું પણ કહ્યું છે કે, દરેક ભારતીયને ન્યાયિક વ્યવસ્થા પર વિશ્વાસ છે. થોડા દિવસ પહેલાં ઘણાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. તે વિશે ઘણી શંકાઓ જાહેર કરવામાં આવી છે. પરંતુ ૧૩૦ કરોડ દેશવાસીઓએ તેને સહર્ષ સ્વીકારી લીધા છે. આ જ અમારી ન્યાય પ્રણાલીની તાકાત છીએ. સુપ્રીમ કોર્ટ પરિસરમાં થઈ રહેલા સંમેલનમાં ૨૦ દેશોના જજ સામેલ થઈ રહ્યા છે.
મોદીના જણાવ્યા પ્રમાણે, થોડા દિવસ પહેલાં જ આપણા બંધારણને ૭૦ વર્ષ પૂરા થયા છે. તેની સ્ક્રિપ્ટને સુપ્રીમ કોર્ટે જીવતી રાખી છે. ઘણી વાર કાર્યપાલિકા અને ન્યાયપાલિકાથી સમસ્યાઓનો યોગ્ય રસ્તો શોધ્યો છે. દેશમાં જૂના ૧૫૦૦ એવા કાયદા ખતમ કરવામાં આવ્યા છે જેની હવે પ્રાંસગિકતા ખતમ થઈ ગઈ છે. સમાજને મજબૂતી આપતા ત્રણ તલાક જેવા નવા કાયદા પણ એટલી જ ઝપપથી બનાવવામાં આવ્યા છે.
વડાપ્રધાને કહ્યું, આપણું બંધારણ સમાનતાના અધિકાર અંતર્ગત લૈંગિક સમાનતાને મજબૂતી આપે છે. પહેલીવાર ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અંતર્ગત શૈક્ષણિક સંસ્થાઓમાં દીકરીઓની સંખ્યા દીકરાઓ કરતા વધારે થઈ ગઈ છે. સેનામાં પણ છોકરીઓને સમાનતા આપવામાં આવી રહી છે. પરિવર્તનના સમયમાં અમે નવી વ્યાખ્યાઓ બનાવી રહ્યા છીએ. અમે તે માન્યતાને બદલી છે કે, ઝડપથી વિકાસ ન થઈ શકે. ૫ વર્ષ પહેલાં ભારત વિશ્વની ૧૧મી મોટી અર્થવ્યવસ્થા હતી, હવે આપણે ૫મી મોટી અર્થવ્યવસ્થા બની ગયા છીએ. અમે દુનિયાને જણાવ્યું છે કે, કેવી રીતે પર્યાવરણની ચિંતા કરીને પણ ઝડપથી વિકાસ કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે પણ પર્યાવરણ સાથે જોડાયેલા મુદ્દે મહત્વના ચુકાદા આપ્યા છે.
મોદીએ કહ્યું છે કે, ટેક્નોલોજીના કારણે કોર્ટના કામમાં ઝડપ આવી રહી છે. આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સથી કોર્ટની કાર્યપ્રણાલી સરળ બનશે. તે સિવાય ડેટા પ્રોટેક્શન અને સાઈબર ક્રાઈમ જેવા મુદ્દા કોર્ટ સામે પડકાર ઉભો કરી રહ્યા છે. આ કોન્ફરન્સમાં આવા ઘણા મુદ્દે ચર્ચા થશે અને નવા સમાધાન સામે આવશે.
ડેટા પ્રોટેક્શન અને સાઈબર ક્રાઈમ દેશ માટે પડકાર : મોદી
Leave a Comment