ગાંધીનગર : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું છે કે ભારતમાં અત્યાર સુધીમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના ૪૮ કેસ મળી આવ્યા છે.જેમાં ગુજરાતમાંથી પણ બે કેસ મળ્યાની પુષ્ટિ કરવામાં આવી છે.બેમાંથી એક સુરતનો કેસ એપ્રિલ મહિનામાં મળ્યો છે. આથી, કોરોનાની સેકન્ડ વેવની શરૂઆતથી જ ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ એક્ટિવ હોવાનું સ્પષ્ટ થયુ છે.એપ્રિલ અને મે મહિનામાં કોવિડ-૧૯ના સેકન્ડ વેવમાંઔગુજરાતમાં છેક ગ્રામ્ય વિસ્તાર સુધી કોરોના વાઈરસના ચેપનો ફેલાવોઔથયો હતો.ગુજરાતમાં સેકન્ડ વેવ ઓસર્યા બાદ ૨૫ જૂનને શુક્રવારે સુરત અને વડોદરામાં કોરોના પોઝિટીવ દર્દીઓના જિનોમ સિક્વન્સિંગ દરમિયાન ડેલ્ટા પ્લસ વેરિયન્ટ મળ્યાનુ જાહેર થયુ છે.
રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યુ કે, એપ્રિલ મહિનામાં સુરતના ૨૭ વર્ષના પુરૂષના સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે પૂના ખાતે મોકલવામાં આવ્યા હતા.જેનું રિઝલ્ટ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ હોવાનું જાણાવા મળ્યુ છે.આ યુવકની તબિયત સ્થિર છે અને હાલ તેમને કોઈ લક્ષણો નથી.બીજા કેસમાં વડોદરામાં રહેતા ૩૮ વર્ષની મહિલાનો સમાવેશ થાય છે.જેઓ પણ એપ્રિલ મહિનામાં તેમના વતન મહારાષ્ટ્રના જલગાંવમાં કોવિડ-૧૯ પોઝિટીવ આવ્યા હતા.ત્યાંથી તેમના સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા.તેનો રિપોર્ટ પણ આજે આવ્યો છે.જેમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ હોવાનુ જાણવા મળ્યુ છે.આ મહિલા મે મહિનામાં મહારાષ્ટ્રથી ગુજરાત પરત આવ્યા છે અને તેમને પણ હાલમાં કોઈ તકલીફ નથી કે લક્ષણ પણ નથી. ગુજરાતમાં હાલમાં ડેલ્ટા પ્લસનો એક પણ કેસ નથી.
જે હતા તે દોઢ મહિના અગાઉના છે.
આરોગ્ય વિભાગે એપ્રિલ મહિનામાં ગુજરાતમાં કોરોનાના અલગ અલગ વેરિયન્ટ પૈકી ડેલ્ટા પ્લસ વેરિયન્ટ એક્ટિવ હોવાનું સ્વિકાર્યુ છે.એપ્રિલ અને મે મહિના દરમિયાન સુરત અને વડોદરામાં સૌથી વધુ ચેપ વકર્યો હતો.એટલુ જ નહી,મહાનગરો ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અચાનક જ મૃત્યુદર ઉચકાયો હતો.ડેલ્ટા પ્લસ વેરિયન્ટની પુષ્ટી થયા બાદ સરકારે બંને શહેરોમાં સર્વેલન્સને વધુ સઘન બનાવ્યુ છે.
ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને કારણે અત્યાર સુધી ત્રણનાં મોત
આઇસીએમઆરના ડિરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, હજુ કોરોના મહામારીના સેકન્ડ વેવનો અંત આવ્યો નથી.દેશમાં ૭૫ જિલ્લામાં હજુ પોઝિટિવિટી રેટ ૧૦ ટકા અને ૯૨ જિલ્લામાં પાંચથી ૧૦ ટકા પોઝિટિવિટી રેટ છે.છેલ્લા કેટલાક સપ્તાહથી ભારતમાં વેરિઅન્ટ્સ ઓફ કન્સર્નની હાજરીમાં વધારો જોવા મળી રહ્યો છે.મે મહિનામાં વેરિઅન્ટ ઓફ કન્સર્નના કોરોના કેસ ૧૦.૩૧ ટકા હતા જે ૨૦ જૂને વધીને ૫૧ ટકા પર પહોંચ્યા હતા.કોરોના સંક્રમિતોના ૪૫,૦૦૦ સેમ્પલનું જિનોમ સિક્વન્સિંગ કરાયું હતું તેમાં ૧૧ રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના ૪૮ કેસ મળી આવ્યા હતા. તેમાં સૌથી વધુ ૨૦ કેસ મહારાષ્ટ્રના હતા.મધ્યપ્રદેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને કારણે બે દર્દીનાં મોત થયાં બાદ શુક્રવારે મહારાષ્ટના રત્નાગિરિમાં આ વેરિઅન્ટના સંક્રમણથી એક મહિલાનું મોત થયું હતું.
સરકારે જણાવ્યું હતું કે, દેશમાં કોરોના સંક્રમણના ૯૦ ટકા કેસ ડેલ્ટા વેરિઅન્ટના નોંધાય છે. ૩૫ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૧૭૪ જિલ્લામાં ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ નોંધાઇ રહ્યાં છે.જેમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર,દિલ્હી,પંજાબ,તેલંગણા, પિૃમ બંગાળ અને ગુજરાતમાં છે.ભારતમાં કોરોના મહામારીના સેકન્ડ વેવ માટે ડેલ્ટા વેરિઅન્ટ જવાબદાર છે.
ગર્ભવતી મહિલાઓ રસી લઈ શકે છે, પૂરતો ડેટા મળે પછી જ બાળકોને રસી
ડો. ભાર્ગવે જણાવ્યું હતું કે, ગર્ભવતી મહિલાઓ કોરોનાની રસી લઇ શકે છે અને સરકારે આ માટેની ગાઇડલાઇન જારી કરેલી છે. ગર્ભવતી મહિલાઓમાં કોરોનાની રસી ઉપયોગી છે. નાના બાળકો માટેની વેક્સિનના સવાલ પર તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી બાળકોના રસીકરણ પરનો પૂરતો ડેટા એકઠો નહીં થાય ત્યાં સુધી આપણે બાળકોને રસી આપી શકીશું નહીં. અમે બે થી ૧૨ વર્ષના બાળકો પર એક નાનો અભ્યાસ શરૂ કર્યો છે.
કોવિશીલ્ડ અને કોવેક્સિન કોરોનાના તમામ વેરિઅન્ટ સામે કારગર : આઇસીએમઆર બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે, કોરોનાની રસીઓ તમામ ચિંતાજનક વેરિઅન્ટ સામે અસરકારક છે. કોવિશીલ્ડ અને કોવેક્સિન કોરોનાના આલ્ફા,બીટા,ગેમા અને ડેલ્ટા વેરિઅન્ટ સામે અસરકારક છે.ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ સામે આ રસીઓ કેટલી અસરકારક છે તેના તારણો ૭ થી ૧૦ દિવસમાં અમે રજૂ કરીશું.તાજેતરમાં જ અમે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને કલ્ચર કર્યો છે. ડેલ્ટા વેરિઅન્ટને કલ્ચર કરનારો ભારત સૌપ્રથમ દેશ છે. હવે અમે ડેલ્ટા પ્લસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ.
ભારત કોરોના મીટર
– ૫૧,૬૬૭ નવા કેસ ૨૪ કલાકમાં
– ૧૩૨૯ દર્દીનાં મોત ૨૪ કલાકમાં
– ૬૪,૫૨૭ દર્દી રિકવર ૨૪ કલાકમાં
– ૧૪,૧૮૯ એક્ટિવ કેસ ઘટયાં ૨૪ કલાકમાં
– ૩,૦૧,૩૪,૪૪૫ દેશમાં કુલ સંક્રમિત
– ૩,૯૩,૩૧૦ મહામારીનો કુલ મૃતાંક
– ૨,૯૧,૨૮,૨૬૭ કુલ દર્દી રિકવર
-૬,૧૨,૮૬૮ દેશમાં કુલ એક્ટિવ કેસ
ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના ક્યાં કેટલા કેસ
– ૦૭ મધ્યપ્રદેશ
– ૨૦ મહારાષ્ટ્ર
– ૦૨ પંજાબ
– ૦૨ ગુજરાત
– ૦૩ કેરળ
– ૦૧ આંધ્રપ્રદેશ
– ૦૯ તામિલનાડુ
– ૦૧ ઓડિશા
– ૦૧ રાજસ્થાન
– ૦૧ જમ્મુ-કાશ્મીર
– ૦૧ કર્ણાટક
– ૪૮ કુલ કેસ