ગુજરાતના પાટનગર ગાંધીનગર સ્થિત હેલિપેડ ગ્રાઉન્ડ પર 1200 બેડની કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવશે તેવી જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી છે.તેમણે કહ્યું છે કે આ હોસ્પિટલ ટાટા ટ્રસ્ટના આર્થિક સહયોગથી બનાવવામાં આવશે અને તે ડીઆરડીઓ સ્થાપિત હશે.આ હોસ્પિટલમાં 600 આઇસીયુ બેડ હશે.રાજ્યમાં 1200 બેડની આ બીજી કોવિડ હોસ્પિટલ હશે.અમિત શાહે ડૉક્ટરોને અપીલ કરી હતી કે કોરોના દર્દીઓ માટેના બેડ માટે કોઇ મુશ્કેલી ઉભી થાય નહીં તે માટે ગાંધીનગરમાં આ હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે.ટેલીફોનિક ગાઇડન્સ માટે નવા ટોલ ફ્રી નંબરની પણ તેમણે જાહેરાત કરતા જણાવ્યું કે લોકોને કોરોના અંગે સંપૂર્ણ માહિતી મળી રહે તે માટે આ ટોલ ફ્રી નંબર બે દિવસમાં શરૂ કરવામાં આવશે જેમાં 50 ડૉક્ટરો સેવા આપશે.
અમદાવાદમાં યુનિવર્સિટીના કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટરમાં બનાવવામાં આવેલી 900 બેડની ધનવંતરી કોરોના હોસ્પિટલની અમિત શાહે મુલાકાત લીધી હતી.આ હોસ્પિટલ આવતીકાલથી શરૂ થઇ રહી છે.આ મુલાકાત પછી તેમણે કોરોના સંક્રમણના કેસો અને સ્થિતિ સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને કહ્યું હતું કે ગુજરાતમાં કોરોના સંક્રમણ સામે સરકાર સારું કામ કરી રહી છે.
અમિત શાહે રેમડેસિવિરના ઉપયોગ બાબતે ડૉક્ટરોને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે ડૉક્ટરો આ ઇન્જેક્શનનો ઉપયોગ સંયમતાથી કરે તે જરૂરી છે.તેમણે કહ્યું હતું કે ગુજરાતમા રસીકરણ ઝડપથી થાય તે માટે પ્રયાસો કરવા જોઇએ. ઓક્સિજન તેમજ દવાઓની તંગી સર્જાવી ન જોઇએ તે દિશામાં સરકાર પણ કામ કરી રહી છે.ઓક્સિજનના બગાડ બાબતે પણ અમિત શાહે ધ્યાન દોર્યું હતું અને કહ્યું હતું કે ઓક્સિજન કે દવાઓની તંગી સર્જાય નહીં તે માટે સૂચનાઓ આપવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં વધતા જતા કોરોના કેસો સામે આઇસોલેશન સેન્ટરો માટે કર્ણાવતી ક્લબ,એડીસી,જીએસસી,રાજપથ ક્લબ અને ઉમિયા પરિવારે સંમતિ આપી છે.


