સુરત : સુરતનો રાંદેર વિસ્તાર ડ્રગ્સ વેચાણ માટે સ્વર્ગ સમાન સાબિત થઈ રહ્યો છે.સુરત પોલીસે વીતેલા ત્રણ વર્ષના સમયગાળામાં જુદાજુદા વિસ્તારમાંથી એમ.ડી.ડ્રગ્સ કે કોકેઈન ઝડપી પાડી તેની સાથે સંકળાયેલાઓની ધરપકડ કરી છે તેમાંથી મોટાભાગના રાંદેર અને તેની આજુબાજુના વિસ્તારના જ છે.ઘણા સમયથી અવારનવાર એમ.ડી.ડ્રગ્સનો જથ્થો ઝડપાય છે.આ તમામના કનેક્શન સીધા કે આડકતરી રીતે રાંદેર સાથે હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
રાંદેર ટાઉન વિસ્તારના કેટલાક યુવાનો પૈસા ઝડપથી કમાવાની ઘેલછાને લીધે ડ્રગ્સના વેપારમાં સામેલ થયા છે.વળી,અહીં ગીચ વિસ્તારને લીધે તેમને સરળતાથી આઈડેન્ટીફાય કરી શકાતા નથી.મોટા ફેમિલી સાથે રહેતા આ યુવાનો ડ્રગ્સના વેપારમાં સામેલ છે તેવી જાણ તેમના પરિવાર સુધ્ધાંને હોતી નથી.તેથી તેમને મોકળું મેદાન મળ્યું છે.સૂત્રોના જણાવ્યા મુજબ અહીં જે યુવાનો ડ્રગ્સનો વેપાર કરે છે તેમાં મૂળ રાંદેર ટાઉનના ઓછા છે.જયારે ભરૂચ કે તેની આજુબાજુના અને ઉત્તરપ્રદેશથી આવી અહીં સ્થાયી થયેલા વધુ છે.અહીંનો કોઝવે ગોરાટ રોડ તો ડ્રગ્સ ખરીદવા માટે કુખ્યાત બન્યો છે.અહીં મોપેડ પર ફરતા પેડલરો પાસે ડ્રગ્સ લેવા આખા શહેરમાંથી યુવક-યુવતીઓ આવે છે.

