લંડન : યુકે અને અમેરિકાની સિક્યૉરિટી સર્વિસિસના વડાએ બુધવારે લંડનમાં એક અભૂતપૂર્વ જૉઇન્ટ પ્રેસ-કૉન્ફરન્સ કરી હતી,જે રેર ઘટના છે.આ જૉઇન્ટ પ્રેસ-કૉન્ફરન્સમાં તેમણે બન્નેએ ચીન તરફથી ખતરા વિશે જણાવ્યું હતું.તેમણે દુનિયાને ચેતવણી આપી છે કે ચીન અમેરિકન અને યુરોપિયન દેશોની ટેક્નૉલૉજી ચોરી રહ્યું છે,એટલું જ નહીં,લૉબિંગ અને મનીપાવર દ્વારા સરકારની પૉલિસી ઘડવા પર પણ પ્રભાવ પાડી રહ્યું છે.
અમેરિકાની એફબીઆઇના ડિરેક્ટર ક્રિસ્ટોફર વ્રેએ કહ્યું હતું કે‘ચીન આપણી આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષાને લાંબા ગાળે સૌથી મોટો ખતરો છે અને એણે રાજકારણમાં હસ્તક્ષેપ કર્યો છે.’યુકેની એમઆઇ-ફાઇવના હેડ કેન મૅક્લમે કહ્યું હતું કે તેમની એજન્સીએ છેલ્લાં ત્રણ વર્ષમાં ચાઇનીઝ ઍક્ટિવિટીઝની વિરુદ્ધ નજર રાખવા પોતાની કામગીરી વધારી છે.આ કામગીરીને વધુ એક વખત બમણી કરવામાં આવશે.
સવાલ એ છે કે અમેરિકા અને બ્રિટન દ્વારા આપવામાં આવેલી આ ચેતવણીને ભારતે પણ ગંભીરતાથી લેવી જોઈએ? ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષા અને મિલિટરીની સાથે સંકળાયેલી દરેક વ્યક્તિ ૩૪૮૮ કિલોમીટર લાંબી વાસ્તવિક અંકુશરેખા પર ચીન જે રીતે વ્યાપક મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી રહ્યું છે એને લઈને ચિંતિત છે.જોકે ભારતમાં વાસ્તવિક અંકુશરેખા પર રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ મહત્ત્વનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટેની ફાઇલ્સ પર એટલી ઝડપથી કામ થઈ રહ્યું નથી.વળી ચીન દ્વારા ભારતમાં ખડકવામાં આવતા એના માલસામાન તેમ જ ભારતમાં કામ કરતી ચાઇનીઝ કંપનીઓ દ્વારા મની-લૉન્ડરિંગ તેમ જ ભારતીયોના ડેટાની ચોરી જેવા અનેક પડકાર ભારત સમક્ષ છે.


