નવી દિલ્હી : ભારત સરકાર દિવસે ને દિવસે નિકાસ વધારવા અને આયાત,ખાસ કરીને ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવા માટે અનેક પ્રયાસ કરી રહી છે.આ જ પ્રયાસોના ફળરૂપે ભારતના નિકાસમાં હવે જગત જમાદાર અમેરિકાના ટોચના સ્થાને પહોંચ્યું છે.નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં અમેરિકા ભારતના સૌથી મોટા વેપાર ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે.અમેરિકાએ ચીનને પછાડીને ભારતમાંથી સૌથી વધુ આયાત કરી છે.વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર ૨૦૨૧-૨૨માં અમેરિકા અને ભારતનો દ્વિપક્ષીય વેપાર વધીને ૧૧૯.૪૨ અબજ ડોલર થયો છે.એક વર્ષ અગાઉ ૨૦૨૦-૨૧માં આ આંકડો ૮૦.૫૧ અબજ ડોલર હતો.
આધિકારીક ડેટા અનુસાર ૨૦૨૧-૨૨માં યુએસમાં ભારતની નિકાસ વધીને ૭૬.૧૧ અબજ ડોલર થઈ છે,જે અગાઉના નાણાકીય વર્ષમાં ૫૧.૬૨ અબજ ડોલર હતી.
સામે પક્ષે આ સમયગાળા દરમિયાન યુએસથી ભારતની આયાત વધીને ૪૩.૩૧ અબજ ડોલર થઈ છે,જે અગાઉના નાણાકીય વર્ષમાં ૨૯ અબજ ડોલર હતી.સરકારી આંકડા મુજબ ૨૦૨૧-૨૨માં ભારત-ચીનનો દ્વિપક્ષીય વેપાર ૧૧૫.૪૨ અબજ ડોલર હતો,જે ૨૦૨૦-૨૧માં ૮૬.૪ અબજ ડોલર હતો.નાણાકીય વર્ષ દરમિયાન ચીનને ભારતની નિકાસ ૨૦૨૦-૨૧માં ૨૧.૧૮ અબજ ડોલરથી નજીવી વધીને ૨૧.૨૫ અબજ ડોલર થઈ છે.સામે પક્ષે ગત વર્ષે ચીનથી ભારતની આયાત વધીને વાષક ૬૫.૨૧ ડોલરથી વધીને ૯૪.૧૬ અબજ ડોલર થઈ છે.ભારતની આયાત વધતા નાણાકીય વર્ષ દરમિયાન ચીન સાથે ભારતની વેપાર ખાધ ૨૦૨૦-૨૧માં ૪૪ અબજ ડોલરથી વધીને ૭૨.૯૧ અબજ ડોલર થઈ છે.

