અમદાવાદ : પ્રમાણિક અને પારદર્શક વહિવટની વાતો વચ્ચે ભાજપ શાસિત સ્ટે.કમિટીએ નિયમો નેવે મુકીને તથા વોટર-ડ્રેનેજ કમિટીને અવગણીને ડ્રેનેજ લાઇન સાફ કરવાના નામે એક કોન્ટ્રાક્ટર પાસેથી વધુ બે મશીન સાત વર્ષ માટે ૩૩.૪૫ કરોડનાં જંગી ખર્ચે ભાડે લેવાનો અભૂતપૂર્વ અને ઐતિહાસિક કહી શકાય તેવો નિર્ણય લેતાં ભાજપમાં અને મ્યુનિ.તંત્રમાં ભારે કાનાફૂસી થઇ રહી છે.
મ્યુનિ.સૂત્રોનાં અનુસાર,શહેરમાં ગટર લાઇનોની સફાઇ માટે મ્યુનિ.દ્વારા પોતાનાં જેટીંગ કમ સુપર સકર મશીન વસાવવામાં આવ્યા છે અને તેને ખાનગી કોન્ટ્રાક્ટરોને ચલાવવા આપ્યા છે.આ ઉપરાંત ગટર લાઇનો સાફ કરવા બીજા કરોડો રૂપિયાનાં કોન્ટ્રાક્ટ વારેઘડીએ અપાય છે.મેનહોલ સાફ કરવાનાં અલગથી કોન્ટ્રાક્ટ અપાય છે તેમ છતાં મ્યુનિ.ની ગટર લાઇનો વારેઘડીએ ચોકઅપ થઇ જવાની અને ગટર લાઇનો બેક મારવાની તેમજ અન્ય કેટલીય સમસ્યાઓ યથાવત રહેવા પામે છે.
સૂત્રોએ કહ્યું હતું કે,આટઆટલા જંગી ખર્ચા ડ્રેનેજ લાઇનોની સફાઇના નામે કરવા છતાં મ્યુનિ.એસટીપી ખાતા દ્વારા આધુનિક ટેકનોલોજી આધારિત જેટીંગ કમ સકશન વીથ રિસાયકલીંગ સુવિધાવાળા બે મશીન સાત વર્ષ માટે પીપીપી ધોરણે ભાડે લેવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા અને તે સમયે જ ટેન્ડરમાં એવી જોગવાઇ કરવામાં આવી કે આ બે મશીનની કામગીરી સંતોષકારક જણાય તો વધુ બે મશીન ભાડે લઇ શકાશે.આમ તો મ્યુનિ.ઇજનેર ખાતાનાં ટેન્ડરોમાં જે તે કોન્ટ્રાક્ટરની કામગીરી સંતોષકારક જણાય તો તેને મુદત લંબાવી આપવાની વિવાદાસ્પદ જોગવાઇ કરવામાં આવે છે,પરંતુ પ્રથમવાર વધુ બે મશીન ભાડે લેવાની જોગવાઇ કરવામાં આવી હોવાનુ ચર્ચાઇ રહ્યું છે.
આ જોગવાઇનો ગેરલાભ લઇને મ્યુનિ.ભાજપનાં એક ટોચના નેતાનાં દબાણથી મ્યુનિ.નાં ઉચ્ચ અધિકારીઓએ ઉતાવળ કરીને મેટ્રો વેસ્ટ હેન્ડલીંગ પ્રા.લી.નામનાં કોન્ટ્રાક્ટર પાસેથી વધુ બે રિસાયકલર મશીન સાત વર્ષ માટે ૩૩.૪૫ કરોડનાં ખર્ચે ભાડે લેવાની દરખાસ્ત એટલી તાકીદની ન હોવા છતાં વોટર સપ્લાય કમિટીમાં મુકવાને બદલે સીધેસીધી સ્ટે.કમિટીમાં મુકી દીધી હતી અને સ્ટે.કમિટીએ પણ ચૂપચાપ મંજૂર કરી દીધી હતી.જાણકારોનાં જણાવ્યા અનુસાર,ખરેખર તો નવા બે મશીન ભાડેથી લેવા હોય તો નવેસરથી ટેન્ડર બહાર પાડવા જોઇએ તેના બદલે અગાઉ રિસાયકલર મશીન ભાડે લેવાનાં ટેન્ડરમાં જ એક વિવાદાસ્પદ જોગવાઇ કરી રાખવામાં આવી હતી તેનો લાભ લઇને બારોબાર વધુ બે મશીન ભાડે લેવાનાં કોન્ટ્રાકટ આપી દેવાતાં જાતજાતની શંકાકુશંકા બળવત્તર બની છે.
મ્યુનિ.દ્વારા શહેરી ગટર લાઇનોની સફાઇ માટે જેટીંગ કમ સુપરસકર મશીન ખરીદીને ખાનગી કોન્ટ્રાક્ટરોને ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સનાં ધોરણે ચલાવવા આપ્યા છે.આ મશીન પૈકી કેટલાક મશીન સાત આઠ વર્ષ જુના થઇ ગયાં હોઇ તેની કાર્યક્ષમતાને અસર થઇ હોવાનો દાવો એસટીપી ખાતાની દરખાસ્તમાં કરવામાં આવ્યો છે,જો આ મશીન ખખડી ગયાં હોય તો તેને ભંગારવાડે મોકલી દેવા જોઇએ અને કોન્ટ્રાકટ બંધ કરવા જોઇએ,પરંતુ ફક્ત રિસાયકલર મશીન ભાડે લેવા માટે આવી ટિપ્પણ કરવામાં આવી હોવાનો દાવો થઇ રહ્યો છે.