દિલ્હી,તા.4.મે.2023, ગુરુવાર : ક્રેમલિન પર ગઈકાલે થયેલા ડ્રોન હુમલાને આગળ ધરીને રશિયા હવે યુક્રેનને તબાહ કરવા માટે પોતાની કમર કસી રહ્યુ છે.બંને દેશો વચ્ચેની સ્ફોટક સ્થિતિને દુનિયા અધ્ધર શ્વાસે જોઈ રહી છે અને તેમાં પણ રશિયાએ હવે પશ્ચિમ હિસ્સામાં આવેલા બે એરબેઝ પર ન્યુક્લિયર મિસાઈલો તૈનાત કરી દેતા ટેન્શન વધી ગયુ છે.રશિયન સ્ટ્રેટેજિક ન્યુક્લિયર ફોર્સની હિલચાલ પણ શરુ થઈ ગઈ છે.રશિયન આર્મીમાં સ્ટ્રેટેજિક ન્યુક્લિયર ફોર્સ પરમાણુ હથિયારો પર દેખરેખ રાખે છે અને તેનુ સંચાલન કરે છે.
રશિયા અને યુક્રેન વચ્ચેના યુધ્ધમાં ગઈકાલે પહેલી વખત ક્રેમલીન પર હુમલો થયો હતો અને તેના કારણે અકળાયેલા રશિયાએ હવે યુક્રેન પ્રમુખ જેલેન્સ્કીને જ ખતમ કરી નાંખવાની ધમકી આપી છે.જોકે યુક્રેન આ હુમલામાં પોતાનો હાથ હોવાનો ઈનકાર કરી દીધો છે.ક્રેમલિન પરના હુમલા બાદ રશિયન ન્યૂઝ એજન્સીએ દાવો કર્યો છે કે, જ્યારે આ હુમલો થયો ત્યારે રાષ્ટ્રપતિ પુતિન મોસ્કો નજીકના નોવો-ઓગારયોવોમાં મોજૂદ હતા અને પોતાના ઘરમાં કામ કરી રહ્યા હતા.બીજી તરફ અમેરિકાએ ક્રેમલિન પર થયેલા હુમલા બાદ પોતાના નાગરિકને એલર્ટ રહેવા માટે કહ્યુ છે.ઘણા લોકોને ડર લાગી રહ્યો છે કે, અત્યારે જે સ્થિતિ છે તે ક્યાંક ત્રીજા વિશ્વ યુધ્ધમાં ના ફેરવાઈ જાય.

