વિદેશથી આવેલા મુસાફરોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં માટે ઊભી કરાયેલી વ્યવસ્થામાં મ્યુનિ. તંત્રની પોલ ખોલતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. શહેરના નિકોલ વિસ્તારમાં આવેલ ગુજરાત સ્પોર્ટ એકેડેમીમાં ભરપૂર ગંદકીમાં લોકોને રાખવામાં આવ્યા હોવાનું વીડિયો ક્લીપમાં જોઈ શકાય છે.
ટોઇલેટમાં પાનની પીચકારીઓ અને કચરાના ઢગલા જોવા મળ્યા હતા. આ સિવાય સૂવા માટે જે પથારી આપવામાં આવી હતી તેના ગાદલા, કવર અને તકિયા જાણે વર્ષોથી ધોયા વિનાના હોય તેવા ગંદા જોવા મળ્યાં હતાં. આમ કોરોના વાઇરસ માટે ઊભી કરેલી સુવિધા લોકો માટે એક દુવિધા બની ગઈ છે.
હોમ ક્વોરઇન્ટાઇન કરી શકાય તે માટે ચાર સ્થળોએ વ્યવસ્થા ઊભી કરાઇ છે. મ્યુનિ.એ નવરંગપુરાની સ્પોર્ટસ ક્લબ અને એક હોટેલમાં વ્યવસ્થા કરી છે સાથે બે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષોમાં આ સુવિધા ઊભી કરાઇ છે. જેમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ પૂર્વ વિસ્તારમાં છે તો એક પશ્ચિમ વિસ્તારમાં હોવાનું સૂત્રો જણાવે છે. પરંતુ આ હોમ ક્વોરન્ટાઈનમાં સુવિધાના નામે તૂત જોવા મળી રહ્યું છે.